વિજયનગર પંથકમાંથી બે વર્ષ અગાઉ બે બાઈકની ચોરી કરનાર ઝડપાયો.
શખ્સવિરૂધ્ધ વિજયનગર અને અમદાવાદના ૭ પોલીસ સ્ટેશનોમાં ફરીયાદ નોધાઈ હતી.

જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠાના વિજયનગર પંથકમાં તથા અમદાવાદના સાત પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા એક ઈસમને વિજયનગર પોલીસે બુધવારે બાતમીને આધારે વિજયનગર ત્રણ રસ્તા નજીકથી ઝડપી લઈ પુછપરછ કર્યા બાદ પોલીસે તેની પાસેથી ચોરાયેલા બે બાઈક કબજે લીધા હતાઆ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનના પી.આઇ એ.બી ચૌધરીના જણાવ્યા મુજબ બુધવારે તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે આશિષ લક્ષ્મણલાલ અંગારી(રહે. હિકા, સારોલી, તા. ખેરવાડા) એક બાઈક લઈને વિજયનગર તરફ આવી રહ્યો જે આધારે પોલીસે ત્રણ રસ્તા ખાતે વાહનચેકિંગ શરૂ કર્યું હતુ. જ્યાં બાતમી મુજબ આવી રહેલ આશિષ અંગારીને ઉભો રાખી પુછપરછ કરતા બાઈકની નંબર પ્લેટ ન હોવાથી પોલીસને વધુ શક ગયો હતો.
ત્યારબાદ તેની કડક પુછપરછ કરાતા સાથે લઈને આવેલ બાઈક નં. જીજે૩૧એચ ૦૯૭૯ બાઈકને ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદમાંથી ચોર્યું હતુ. ત્યારબાદ પોલીસે આ ઉઠાવગીરને પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરતાં તેણે બે વર્ષ અગાઉ વિજયનગર તાલુકામાંથી બાઈક નં. જીજેર૪એજે પ૩૩૮ ની પણ ચોરી કર્યાનું કબુલ્યું હતુ. ત્યારબાદ પકડાયેલા આશિષ અંગારીએ ઈન્ફોસીટી, સોલા હાઈકોર્ટ, વટવા, ઘાટલોડીયા, એલીસ બ્રિજ, કૃષ્ણનગર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂા. ૬૦ હજારની કિંમતના બે બાઈક કબજે લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

