હિંમતનગરમાં વીજ ખાનગીકરણના વિરોધમાં ગુંજ્યા નારા: ૪૫,૦૦૦ વીજ કર્મચારીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન

પરાગ હજારી
કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્રમાં રજૂ થનારા ઈલેક્ટ્રીસીટી (એમેન્ડમેન્ટ) બીલ ૨૦૨૫ અને નેશનલ ઈલેક્ટ્રીસીટી પોલીસી ૨૦૨૬ના વિરોધમાં આજે હિંમતનગર ખાતે વીજ કર્મચારીઓ અને ઇજનેરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા પાવર એન્જીનીયર ફેડરેશન (AIPEF) ના રાષ્ટ્રવ્યાપી આંદોલનના સમર્થનમાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ (GEBEA અને AGVKS) ના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.કેન્દ્ર સરકાર દ્વારા વીજળી ક્ષેત્રને ખાનગી એકમોને હસ્તગત કરવાની નીતિ અને ફરજિયાત સ્માર્ટ મીટરિંગ સામે કર્મચારીઓમાં ભારે રોષ છે. ગુજરાતભરના અંદાજે ૭,૦૦૦ ઇજનેરો અને ૪૫,૦૦૦ કર્મચારીઓ આ વિરોધમાં જોડાયા છે. બપોરે ૨:૦૦ થી ૨:૩૦ ના રિશેષના સમયગાળા દરમિયાન હિંમતનગરની વીજ કંપનીની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકઠા થયા હતા અને સરકારની નીતિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓ:
૧. વીજળી (સુધારા) બિલ-૨૦૨૫ અને રાષ્ટ્રીય વીજળી નીતિ-૨૦૨૬ તાત્કાલિક પાછી ખેંચવી.
૨. સ્માર્ટ મીટરિંગ અને નોકરીઓનું કરારીકરણ (આઉટસોર્સિંગ) બંધ કરવું.
૩. વીજ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવી.
૪. ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક નવી ભરતી કરવી.
સંયુક્ત સંકલન સમિતિના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. વધુમાં તેઓએ ખાતરી આપી હતી કે આ પ્રદર્શન દરમિયાન વીજ પુરવઠાને કોઈ અસર પહોંચાડવામાં આવી નથી અને પ્રજાની સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.





