સાબરકાંઠાની દીકરીની કલામાં ઇનોવેશનનો રંગ: પાણીથી ધોવા છતાં ન બગડે તેવી ‘હેન્ડમેડ’ પ્રોડક્ટ્સ બનાવી વડાલીના લખેડાકંપાના દીયાબેન બન્યા આત્મનિર્ભળ
ગામડું, ગૃહિણી અને ગ્લોબલ આર્ટ થકી દીયાબેન સુરાણીએ ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને કર્યો સાર્થક
“જ્યારે કલામાં ઇનોવેશન ભળે છે, ત્યારે તે માત્ર શોખ નથી રહેતો પણ આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બને છે.”
સાબરકાંઠાના વડાલી તાલુકાના નાનકડા લખેડાકંપા ગામની દીકરી દીયાબેન સુરાણીએ પોતાની કલા અને કોઠાસૂઝથી સાબિત કરી દીધું છે કે જો મક્કમ ઈરાદો હોય તો ગ્રામીણ વિસ્તારમાં રહીને પણ સારી પ્રોડક્ટ બનાવી શકાય છે. દીયાબેન રઘુભાઈ સુરાણી આજે જિલ્લામાં ‘ઇનોવેટિવ આર્ટિસ્ટ’ તરીકે ઉભરી આવ્યા છે.
દીયાબેનને છેલ્લા ૫-૬ વર્ષથી હાથબનાવટની વસ્તુઓ બનાવવાનો શોખ હતો. તેમણે તેમના આ પેશનને વ્યાવસાયિક રૂપ આપવાનું નક્કી કર્યું. તેઓ માત્ર સામાન્ય વસ્તુઓ નથી બનાવતા, પરંતુ તેમાં ઇનોવેશનનો ઉમેરો કરે છે.
રાધે સખી મંડળ સાથે જોડાયેલા દીયાબેન મડ એન્ડ મિરર વર્ક પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ અને 3D ક્લે વર્ક પેઇન્ટિંગ જેવી કલામાં વિશેષ નિપુણતા ધરાવે છે, જે તેમની કલાત્મક ક્ષમતાને વધુ નિખારે છે.તેઓ આકર્ષક વોલપીસ અને વોલ હેંગિંગ્સ, યુનિક પેઇન્ટિંગ્સ અને કી-ચેઈન સહિત વિવિધ હોમ ડેકોરેશનની વસ્તુઓ તૈયાર કરે છે.

દીયાબેનની કલાની સૌથી મોટી વિશેષતા તેની ટકાઉક્ષમતા છે. સામાન્ય રીતે હેન્ડમેડ આર્ટ લાંબો સમય ટકતી નથી, પરંતુ દીયાબેને ઇનોવેશન દ્વારા એવી પ્રોડક્ટ્સ વિકસાવી છે જે લાંબા સમય સુધી ચાલે છે. આ પ્રોડક્ટ્સની ખાસિયત એ છે કે તેને પાણીમાં ધોઈ શકાય છે, છતાં તેનો રંગ કે ક્વોલિટી બગડતી નથી. કલામાં ટેકનિકલ ફેરફાર કરીને તેમણે તેને આધુનિક યુગના ગ્રાહકોની જરૂરિયાત મુજબ બનાવી છે.
દીયાબેનના આ ‘સ્ટાર્ટઅપ’ ને વેગ આપવા માટે સરકારશ્રી તરફથી ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા પ્લેટફોર્મ જેવા કે, પ્રદર્શનો અને મેળાઓ વિવિધ સરકારી પ્રદર્શનોમાં સ્ટોલ ફાળવીને તેમની પ્રોડક્ટ્સને યોગ્ય બજાર પૂરું પાડવામાં આવ્યું.
તેમની આ કલાને લોકો ઓળખે તે માટે સરકારના પ્રોત્સાહક અભિગમથી તેમને સારી એવી આવક મળી રહી છે.
જે કલા માત્ર ઘરના ખૂણે મર્યાદિત હતી, તે આજે દીયાબેન માટે કમાણીનું સાધન બની છે. પોતે આર્થિક રીતે પગભર બનીને તેમણે અન્ય ગ્રામીણ યુવતીઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ ના મંત્રને દીયાબેને સાર્થક કરી બતાવ્યો છે.