ટોપ સ્ટોરીઝ

હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણી કાનૂની કસોટીમાં નોમીનીઝ કોર્ટની સુનાવણી વચ્ચે પણ ઉમેદવારોનો જુસ્સો અડગ

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર નાગરિક બેંકની આગામી તા.૧૧ જાન્યુઆરીએ યોજાનાર ૧૩ બેઠકોની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ગુરૂવારથી શરૂ થતાં જ ચૂંટણી માહોલ ગરમાઈ ગયો છે. પ્રથમ દિવસે ૧૭ ઉમેદવારોએ નાગરિક બેંકના ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો જમા કરાવ્યા છે, જ્યારે ચૂંટણી લડવા ઇચ્છુક ૪૯ સભાસદોએ ફોર્મ લઈ જતાં આગામી દિવસોમાં દાવેદારોની સંખ્યા વધવાની શકયતા છે.બેંકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તા.૧ જાન્યુઆરી ૨૦૨૬થી તા.૩ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ઉમેદવારી પત્રો ભરવાની મુદત જાહેરનામામાં નિર્ધારિત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ નોંધપાત્ર સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાતા આ વખતની નાગરિક બેંકની ચૂંટણી કડક સ્પર્ધાવાળી અને ખેંચતાણભરી બનશે તેવું સ્પષ્ટ બન્યું છે. આજે તા.૨ જાન્યુઆરીના રોજ નોમીનીઝ કોર્ટમાં સુનાવણી હોવા છતાં ઉમેદવારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ અને દોડધામ યથાવત્ જોવા મળી રહી છે.વધુમાં મળતી માહિતી મુજબ અનામતની બે બેઠકો માટે કુલ ૧૧ ઉમેદવારી પત્રો વેચાયા છે, જેમાંથી બે ઉમેદવારી પત્રો ભરાઈને પરત આવ્યા છે. જ્યારે મહિલા બેઠક માટે ૯ ફોર્મ લેવાયા હોવા છતાં અત્યાર સુધી માત્ર બે મહિલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો જમા કરાવ્યા છે.તા.૩ જાન્યુઆરીના રોજ ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થયા બાદ તે જ દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ત્યારબાદ તા.૫ જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત રહેશે અને તે જ દિવસે ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આખરી યાદી જાહેર થયા બાદ માન્ય ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી પ્રચારને વેગ મળશે.આ તરફ હિંમતનગરના એક જાગૃત નાગરિકે હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણી રિઝર્વ બેંકના નિયમો અનુસાર યોજાય તે બાબતે તાજેતરમાં મહેસાણા નોમીનીઝ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી અંગે આજે સુનાવણી થવાની શકયતા હોવાથી કોર્ટના નિર્ણય પર સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દિશા અને ગતિ નિર્ભર રહેશે. જેના કારણે બેંકના સહકારી તથા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!