ટાઇફોઇડ સંકટમાં ગાંધીનગર, મેયર બહારગામ કાર્યક્રમમાં

શીતલ ઠાકર,ગાંધીનગર
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ટાઇફોઇડના ગંભીર સંકટે નાગરિકોને પરેશાન કર્યા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાના આક્ષેપો વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં તાવ, ઉલટી, પેટદર્દ અને નબળાઇના કેસો વધી રહ્યા છે. બાળકો સહિત અનેક નાગરિકો સિવિલ હોસ્પિટલ તથા ખાનગી દવાખાનાઓમાં સારવાર હેઠળ છે.આવી સંવેદનશીલ સ્થિતિ વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયર ભાવનગર ખાતે યોજાયેલી મેચની ઓપનિંગમાં હાજર રહ્યા હોવાની વાત સામે આવતા શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનો સવાલ છે કે જ્યારે શહેર આરોગ્ય સંકટમાં છે ત્યારે શહેરના પ્રથમ નાગરિકો બહારગામ કાર્યક્રમોને પ્રાથમિકતા કેમ આપી રહ્યા છે.આ સમગ્ર મામલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તથા આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં *ORS પેકેટનું વિતરણ* કરવામાં આવી રહ્યું છે તેમજ *ઘરઘર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સાથે જ પીવાના પાણીની **લીકેજવાળી પાઇપલાઇનની મરામત અને રિપેરિંગનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે*, જેથી દૂષિત પાણીનો પુરવઠો રોકી શકાય.તથા છતાં સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ ઉઠી છે કે માત્ર તાત્કાલિક વ્યવસ્થા પૂરતી નથી, પરંતુ આ સંકટ માટે જવાબદાર *સંબંધિત વોર્ડના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સ્પષ્ટ જવાબદારી નક્કી કરવામાં આવે*. પાણી પુરવઠો, સ્વચ્છતા અને જાહેર આરોગ્યની દેખરેખ કોર્પોરેશનની ફરજ હોવા છતાં સમયસર કાર્યવાહી ન થવાને કારણે ટાઇફોઇડનું સંકટ ઊભું થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.વિરોધ પક્ષ દ્વારા પણ જાહેર આરોગ્ય જેવા ગંભીર મુદ્દે બેદરકારી દાખવાઈ હોવાનો આક્ષેપ કરી જવાબદારી ફિક્સ કરવાની માંગ તેજ બની છે. નાગરિકોમાં માંગ છે કે તાત્કાલિક અસરકારક પગલાં સાથે સાથે કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં ગાંધીનગરને આવા આરોગ્ય સંકટનો સામનો ન કરવો પડે.




