હિંમતનગર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી નાગરિક બેંકની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ

શીતલ ઠાકર,હિમતનગર
હિંમતનગર શહેરની અગ્રણી સહકારી સંસ્થા તરીકે ઓળખાતી હિંમતનગર નાગરિક સહકારી બેંકની ડિરેક્ટર મંડળની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં વયસ્કો, મહિલાઓ તેમજ યુવા મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.આ ચૂંટણીમાં વિકાસ પેનલ, પરિવર્તન પેનલ તેમજ સ્વતંત્ર ઉમેદવારો વચ્ચે ત્રિપાંખી સ્પર્ધા સર્જાઈ છે. તમામ પેનલો દ્વારા અંતિમ ઘડી સુધી સક્રિય પ્રચાર, સભ્યો સાથે સીધો સંપર્ક અને સંગઠનાત્મક પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે. જેના કારણે સમગ્ર શહેરમાં ચૂંટણીને લઈને ચર્ચા અને ઉત્સુકતા વ્યાપી ગઈ છે.મતદાન પ્રક્રિયા હાલ પણ ચાલુ છે અને અત્યાર સુધી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. કોઈ મોટી અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. બેંકના સભ્યો દ્વારા ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવામાં આવતા સહકારી ક્ષેત્રમાં લોકશાહી પ્રક્રિયાની સક્રિયતા સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે.મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામોને લઈને તમામ પેનલોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ચૂંટણીના પરિણામો બેંકના ભાવિ સંચાલન અને વિકાસની દિશા નક્કી કરશે, તેવી ચર્ચા સહકારી તેમજ શહેરના રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.




