ચાઈનીઝ દોરી બની ઘાતક, કાયદાકીય કાર્યવાહી છતાં જીવલેણ બનાવ

શીતલ ઠાકર,ગાંધીનગર
સરકાર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધના અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરી અનેક સ્થળોએ વેચાણ કરતા તત્વોને પકડી પાડવામાં આવ્યા હતા. કાયદાકીય કડકાઈ જોવા મળતી હોવા છતાં પણ અમુક લાલચુ અને ગેરકાયદેસર વેપારીઓ હજુ પણ ચોરીછૂપીથી ચાઈનીઝ દોરીનો સંગ્રહ અને વેચાણ કરતા હોવાનો ગંભીર મુદ્દો સામે આવી રહ્યો છે.અરવલ્લી જિલ્લાના એક ગામમાં તાજેતરમાં બનેલા બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ગામનો 17 વર્ષીય સગીર વિદ્યાર્થી પોતાની મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીનું દુઃખદ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ બાદ સરકારશ્રીના દાવાઓ વચ્ચે પણ ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર ચાલુ હોવાની હકીકત વધુ સ્પષ્ટ બની છે. જો તપાસમાં આ મોતનું કારણ ચાઈનીઝ દોરી સાબિત થાય, તો તાત્કાલિક અસરથી પંચનામું કરી દોરીના વેચાણ, સંગ્રહ તથા પતંગ ઉડાડનાર સામે માનવહત્યા સમકક્ષ ગુનો દાખલ કરવો જોઈએ તેવી માંગ મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.ગામના લોકોનું કહેવું છે કે આવા ગેરકાયદેસર તત્વો અને વેપારીઓ સામે સરકાર દ્વારા કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને આવા જીવલેણ બનાવો પર પૂર્ણવિરામ લાગી શકે.

