ગિફ્ટ સિટી ખાતે બેદરકારીનો ભોગ બન્યું બાળપણ ખુલ્લી ગટરમાં પડતા શ્રમિક પરિવારના 6 વર્ષીય બાળકનું કરુણ મોત, CPR છતાં બચી ન શક્યો જીવ

શીતલ ઠાકર,ગાંધીનગર
રાજ્યની આધુનિકતાનું પ્રતીક ગણાતી ગિફ્ટ સિટી વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ફાયર સ્ટેશન પાછળ આવેલી લેબર કોલોનીમાં રમતા રમતા શ્રમિક પરિવારનો 6 વર્ષીય માસૂમ બાળક ખુલ્લી અને બોરવેલ જેવી ઊંડી ગટરમાં ખાબકતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.બાળક ગટરમાં પડતાં આસપાસના લોકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.ભારે જહેમત બાદ બાળકને ગટરમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સના તબીબ દ્વારા ઘટનાસ્થળે જ CPR આપી જીવન બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોની ટીમે પણ પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ ગંભીર ઈજાઓ તથા ગૂંગળામણના કારણે સારવાર દરમિયાન જ બાળકનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.આ ઘટનાએ ગિફ્ટ સિટી જેવા અદ્યતન વિસ્તારમાં ખુલ્લી ગટરો, અધૂરી સુરક્ષા વ્યવસ્થા અને જવાબદાર તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વિકાસના દાવાઓ વચ્ચે માસૂમ બાળકનું જીવ ગુમાવવું નાગરિક સુરક્ષા માટે ચેતવણીરૂપ ઘટના બની છે. સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.




