વ્હાઇટ LED હેડલાઈટ મુદ્દે વાહનચાલકો પર કડકાઈ
તમામ આરટીઓ/એઆરટીઓને પરિપત્ર, નિયમ ભંગે દંડ અને કાર્યવાહી નિર્ધારિત

શીતલ ઠાકર,ગાંધીનગર
રાજ્યમાં વાહનો પર બિનઅનુમતિ રીતે લગાવવામાં આવતી વ્હાઇટ LED હેડલાઈટના કારણે માર્ગ અકસ્માતોની સંભાવના વધતી હોવાને પગલે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરિવહન કમિશનર કચેરી દ્વારા રાજ્યના તમામ આરટીઓ અને એઆરટીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે અનધિકૃત વ્હાઇટ LED હેડલાઈટ લગાવનાર વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવી.પરિપત્રમાં જણાવ્યા અનુસાર વ્હાઇટ LED હેડલાઈટ અન્ય વાહનચાલકોની આંખોને ઝગઝગાટ પહોંચાડે છે, જેના કારણે રાત્રિના સમયે દૃશ્યતા ઘટે છે અને ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે. આ પ્રકારની હેડલાઈટ મોટર વાહન અધિનિયમ તથા સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ મુજબ માન્ય નથી.આથી ટ્રાફિક ચેકિંગ દરમિયાન આવા વાહનોને ઓળખી દંડાત્મક કાર્યવાહી કરવા તેમજ જરૂર પડે તો હેડલાઈટ દૂર કરાવવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે વાહનચાલકોને નિયમસરના હેડલાઈટનો જ ઉપયોગ કરવા જાહેર હિતમાં અપીલ કરવામાં આવી છે.રાજ્ય સરકારના આ નિર્ણયથી માર્ગ સુરક્ષામાં સુધારો થવાની તેમજ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.



