ગાંભોઈના સજાપુર રોડ પરથી રૂા. ૩.૮૮ લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો.
ગાંભોઈ પોલીસે માલનું કટીંગ કરતાં અગાઉ રૂા.૯.૬૮ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો

જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાજેન્દ્રનગર રોડ પરના સજાપુર ગામ જતાં રોડ પરથી ગાંભોઈ પોલીસે બે દિવસ અગાઉ બાતમીને આધારે રાજસ્થાન તરફથી આવી રહેલ એક કારમાં પાસ પરમીટ વિનાનો અંદાજે રૂા. ૩.૮૮ લાખથી વધુની કિંમતની ૧ર૭પ દારૂ અને બિયરની બોટલો ઝડપી લીધી હતી. જોકે આ વિસ્તારમાં આવેલ બળદ પગલા તરીકે ઓળખાતી જગ્યામાં દારૂ અને બિયરનું કટીંગ થવાનું હતુ પરંતુ ગાંભોઈ પોલીસે તરત જ આ જથ્થો ઝડપી લઈ અંદાજે રૂા. ૯.૬૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ કાર મૂકી ભાગી ગયેલ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે ગાંભોઈના પી.આઈ એસ.જે.ગોસ્વામી તથા તેમના સ્ટાફના યોગેન્દ્રસિંહ અને કુંદનસિંહ ના જણાવાયા મુજબ ગત તા. ૩૧ જાન્યુઆરીની રાત્રે કેટલાક શખ્સો નંબરની વગરની કારમાં રૂા. ૩.૮૮ લાખની કિંમતની ૧ર૭પ દારૂ અને બિયર ભરેલી બોટલો લઈ હાથરોલથી રાજેન્દ્રનગર તરફ આવતાં હોવાની ગાંભોઈ પોલીસને મળેલી બાતમી બાદ નાકાબંધી કરવામાં આવી હતી.દરમ્યાન દારૂ ભરીને આવતી કાર સજાપુરની સીમમાં આવેલ બાળમણીયા નામથી ઓળખાતા બળદ પગલા પાસેના ખેતરમાં અવાવરું જગ્યાએ દારૂ અને બિયરનું કટીંગ કરવાનું હતું પરંતુ પોલીસે કટીંગ કરનારાઓના મનસૂબા પર પાણી ફેરવી દારૂનો જથ્થો રૂા. ૮૦ હજારના બે વાહન અને કાર મળી અંદાજે રૂા. ૯.૬૮ લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસને જોઈ ભાગી ગયેલા કારના ચાલક વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.





