વેજરપ મઠના ખેડુતને રૂ.પની ટ્રેકટરવાળી નોટના બદલામાં મોટી રકમ અપાવવાની લાલચ આપી રૂ.૧.૮૪ લાખની ઠગાઈ કરાઈ

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના વેજરપ મઠ ગામના એક ખેડુતને ર૦ દિવસ અગાઉ બે મોબાઈલ ધારકોએ પોતાની ખોટી ઓળખ આપીને વિશ્વાસમાં લીધા બાદ રૂ.પ ની ટ્રેકટરવાળી જુની નોટના બદલામાં રૂ.પ૬ લાખ આપવાની લાલચ આપી રાજય સેવકના વેશ અને ખોટુ નામ ધારણ કરી વિડિયો ક્લીપ મોકલી વિવિધ ચાર્જીસના બહાને રૂ.૧.૮૪ લાખ ઓનલાઈન પડાવી લઈને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે વેજરપ મઠના ખેડુતે બંને વિરૂધ્ધ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.
આ અંગે વેજરપ મઠના મહેશ મુળજીભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૧૬થી ર૦ જાન્યુઆરીના સમયગાળા દરમ્યાન તેમના તથા અન્ય ખેડુતોના મોબાઈલ પર અમિતભાઈ અને ફોજીભાઈએ ખોટી ઓળખ આપીને પોતાના મોબાઈલ નંબર પરથી મહેશ પટેલ તથા ગામના અન્ય લોકોનો સંપર્ક કરી વિશ્વાસમાં લીધા બાદ આ બંને જણાએ પાંચ રૂપિયાની ટ્રેકટરવાળી જુની નોટના બદલામાં કુરીયર મારફતે રૂ.પ૬ લાખ આપવાની લાલચ આપી હતી.
ત્યારબાદ અમિત અને ફોજીભાઈએ રાજય સેવકનો વેશ અને ખોટુ નામ ધારણ કરી વિડિયો ક્લિપ મોકલી આપી હતી અને મહેશભાઈ પટેલના નામનું ખોટુ કસ્ટમર કાર્ડ બનાવી દીધુ હતુ અને કુરીયરની પણ ખોટી પાવતી બનાવી ડીઝીટલ એરેસ્ટ કરવાની ધમકી આપી બળજબરી પુર્વક કુરીયરના ટેક્ષના ચાર્જીસના બહાને કયુઆર કોડ અને એકાઉન્ટ નંબર મારફતે મહેશ પટેલ પાસેથી રૂ.૧.૮૪ લાખનું ટ્રાન્જેકશન કરાવી ઠગાઈ કરી ગુનાહિત ધમકી આપી હતી. ત્યારબાદ મહેશ પટેલે વારંવાર સંપર્ક કરવા છતાં આ બંને જણાએ રૂ.૧.૮૪ લાખ પરત નહીં આપી છેતરપીંડી કરતાં બંને વિરૂધ્ધ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી હતી.



