આંદોલન સાચું, નેતૃત્વ ખોટું? સહકારી ક્ષેત્રમાં આંદોલનથી સત્તા સુધીના નેતૃત્વ પર પ્રશ્નાર્થ

શીતલ ઠાકર,ગાધીનગર
લોકશાહીમાં અનેક આંદોલનોમાંથી નેતાઓ ઊભા થાય છે. લોકપાલ આંદોલન હોય, જમીન સંબંધિત લડત હોય, જંગલ–પર્યાવરણ માટેનો સંઘર્ષ હોય કે અન્ય કોઈ જનઆંદોલન—આ બધામાંથી લોકો વચ્ચે રહેતા, લોકો માટે લડતા અને લોકોનો વિશ્વાસ જીતતા નેતાઓ પેદા થાય છે. પરંતુ આજના સમયમાં એક કડવી હકીકત સામે આવી છે કે આવા ઘણા નેતાઓ પછી રાજકારણમાં પ્રવેશ કરીને ધીમે ધીમે એ જ લોકોને ભૂલી જાય છે, જેમના ખભા પર ચડીને તેઓ આગળ આવ્યા હતા.
આંદોલન અને ચૂંટણી લોકશાહીના એક જ સિક્કાની બે અલગ બાજુ છે. આંદોલનમાં લોકો સ્વયંભૂ રીતે જોડાય છે. ત્યાં ન તો પૈસાનો ખેલ હોય છે, ન ફોન કરીને લોકોને બોલાવવાની જરૂર પડે છે, ન કોઈ જાતિવાદી સમીકરણ કામમાં આવે છે. લોકો પોતાના હક અને હિત માટે લડી રહ્યા છે તેવી ભાવનાથી એકત્ર થાય છે. જ્યારે ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં સભાઓ માટે લોકોને બોલાવવા પડે છે, પ્રચાર કરવો પડે છે અને ઘણી વખત જાતિ, જૂથ તથા સ્વાર્થ આધારિત ગણિત પણ કામમાં લેવાય છે.
આંદોલનકારી નેતા અને રાજકીય નેતા વચ્ચે મૂળભૂત તફાવત છે. આંદોલનકારી નેતા પોતાના સિદ્ધાંતો, મૂલ્યો અને લોકહિતને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે, જ્યારે રાજકીય નેતા ઘણી વખત સત્તા, પદ અને રાજકીય સમીકરણોના દબાણમાં નિર્ણય લેતો જોવા મળે છે. આંદોલન દરમિયાન લોકો સ્વયંભૂ રીતે જોડાય છે અને નેતૃત્વને સંપૂર્ણ સમર્થન આપે છે, કારણ કે લોકોને લાગે છે કે કોઈ પોતાના હક માટે લડી રહ્યો છે.તેની સામે, રાજકીય પ્રક્રિયામાં સભાઓ, પ્રચાર અને સમર્થન માટે આયોજન કરવું પડે છે. અહીં વ્યક્તિગત સંપર્કો, સંગઠનશક્તિ અને ઘણી વખત જાતિ કે જૂથ આધારિત ગણિત મહત્વ ધરાવે છે. આ કારણે આંદોલન અને ચૂંટણી વચ્ચે કાર્યપદ્ધતિ અને દૃષ્ટિકોણનો મોટો ફરક ઊભો થાય છે.આંદોલન સફળ થયા બાદ જ્યારે નેતાને સફળતાનો શ્રેય મળવા લાગે છે, ત્યારે કેટલાક આંદોલનકારી નેતાઓમાં અહંકાર પ્રવેશે છે અને તેઓ આ સિદ્ધિને વ્યક્તિગત સફળતા સમજી બેસે છે. આ અહંકાર જ આગળ જઈને તેમના માર્ગમાં અવરોધ બને છે. પરિણામે, સારા ઇરાદા અને લોકસમર્થન હોવા છતાં, આવા નેતાઓ ધીમે ધીમે લોકોમાંથી દૂર થવા લાગે છે અને અંતે રાજકીય ભીડમાં ખોવાઈ જાય છે.આજે યુવા નેતાઓ માટે જીતવાનો સૌથી સાચો રસ્તો જો કોઈ હોય તો તે આંદોલનનો જ છે, પરંતુ માત્ર આંદોલન પૂરતું સીમિત રહી જવું પૂરતું નથી. લોકો સાથે રહીને, લોકોની સેવા કરીને, સત્તા, પૈસા અને પ્રતિષ્ઠાથી દૂર રહી સામાન્ય માણસની જેમ જીવતા રહેવું એ સાચા નેતૃત્વનું લક્ષણ છે.જે નેતા લોકો માટે નિઃસ્વાર્થ કાર્ય કરતો રહેશે, તેને ચૂંટણી લડવાની કે પોતાનો ડંકો પીટવાની જરૂર નહીં પડે. તેના નામ અને કામથી જ હજારો લોકો સ્વયંભૂ રીતે જોડાઈ જશે. એકતામાં શક્તિ છે—આ સૂત્ર માત્ર બોલવા માટે નથી, તેને જીવવું પડે છે.જે નેતાઓ લોકો દ્વારા, લોકો માટે ચૂંટાઈ આવે છે, તેમની ફરજ છે કે તેઓ પોતાના કાર્ય દ્વારા લોકહિત, સંસ્થા અને સમાજનું ભવિષ્ય સચવાય તેવું કાર્ય કરે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર પોતાનું, પોતાના સગાં–સંબંધીઓનું કે પોતાની નીતિમાં જોડાયેલા લોકોનું જ વિચારશે, તો જનતા તેમને બહાર કાઢતા વાર નહીં કરે.અત્યારે વિચારવાનો સમય આવી ગયો છે. લોકશાહી નેતૃત્વ સત્તાનો ઉપભોગ નથી, પરંતુ જવાબદારી છે—અને જે દિવસે નેતાઓ આ જવાબદારી ભૂલી જશે, તે દિવસે લોકશાહી પણ કમજોરી અનુભવે છે.
