હિંમતનગરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ
સાબરકાંઠા પોલીસ અને ડોક્ટર્સની સંયુક્ત ઉપક્રમે ૬ કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – ૨૦૨૬ અંતર્ગત સાબરકાંઠા પોલીસ અને ડોક્ટર્સની સંયુક્ત ઉપક્રમે આજે વહેલી સવારે ૬ કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ કચેરી હેડક્વોટર્સ ખાતે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસને લઈને આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડને સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત અધિકારીઓએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જાન્યુઆરી માસ દરમિયાન સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજે ટ્રાફિક જાગૃતિ તેમજ ડ્રગ્સ જાગૃતિ માટે આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડ જિલ્લા પોલીસ હેડક્વોટર્સથી શરૂ થઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, મહાવીરનગર, મોતીપુરા થઈ પરત જિલ્લા પોલીસ હેડક્વોટર્સ ખાતે સમાપન થઈ હતી. મેરેથોન દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર દોડવીરોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મેરેથોન દોડમાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હિંમતનગર શહેરના ડોક્ટર્સ, યુવાનો, યુવતીઓ સહિત શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.





