ઈડર ખાતે પૂર્વ દિવ્યાંગ કમિશનર પ્રો. ભાસ્કર મહેતાનો સન્માન સમારોહ યોજાયો

શીતલ ઠાકર ગાંધીનગર
રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના ‘ભાસ્કર ભવન’ ખાતે તારીખ 17 અને 18 જાન્યુઆરી, 2026 ના રોજ વિચાર વાટિકા ગ્રુપ સ્નેહ મિલન તેમજ અપંગ અભ્યુદય મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ દિવ્યાંગ કમિશનર પ્રોફેસર ભાસ્કર વાય. મહેતાના અમૃત મહોત્સવ નિમિત્તે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુમારી અમિતા ખાંટ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રથમ દિવસે 17 જાન્યુઆરીના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રજ્ઞાચક્ષુ સ્નેહમિલન અંતર્ગત સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે અમિતા ખાંટ, દ્વિતીય ક્રમે સુરેશ સાવલિયા અને તૃતીય ક્રમે રાજેશ રાઠોડ વિજેતા રહ્યા હતા, જેમને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સંદીપ કે. રામી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા, જ્યારે સંસ્થાના ઉપપ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે પ્રોફેસર ભાસ્કર મહેતાએ દિવ્યાંગોના ઉત્કર્ષ અને સમાજમાં સન્માનભેર સ્થાન મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અપંગ અભ્યુદય મંડળ અમદાવાદના મંત્રી શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુરના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રજ્ઞાચક્ષુ વિચાર વાટિકા સંચાલન ગ્રુપના અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં વિચાર વાટિકા ગ્રુપના સહ-સંચાલક શ્રી અનિકેતભાઈ પરમારે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંધજન મંડળ સાબરકાંઠાના ઉપપ્રમુખ પૂર્વેશ પંડ્યા, કારોબારી સભ્ય મયુર ચૌધરી, અમિતા ખાંટ તેમજ ખજાનચી ભરતભાઈ પંડ્યાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.



