NH-48 પર પ્રાંતિજના કતપુર ટોલ પર ઇન્કમટેક્સની કાર્યવાહી; NHAI હેઠળ આવતા ટોલમાં બીઆરજી ગ્રુપના સંચાલન સંબંધિત મુદ્દાઓમાં તપાસ ત્રીજા દિવસે પણ યથાવત

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઇવે–48 પર આવેલ કતપુર ટોલ પ્લાઝા NHAIની દેખરેખ હેઠળ આવે છે. આ ટોલ પ્લાઝા પરથી દૈનિક હજારો વાહનોની અવરજવર થાય છે અને તેમાંથી દરરોજ લાખો રૂપિયાનો ટોલટેક્સ વસૂલવામાં આવતો હોવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં જો ટોલટેક્સની વસુલાત, હિસાબ-કિતાબ અથવા નાણાકીય વ્યવહારોમાં કોઈ ગંભીર અનિયમિતતા સાબિત થાય, તો તેની ગંભીરતા સ્વાભાવિક રીતે અનેકગણી વધી જાય છે. આ જ પૃષ્ઠભૂમિમાં કતપુર ટોલ પ્લાઝા પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી આજે ત્રીજા દિવસે પણ ચાલુ હોવાની ચર્ચા છે.પ્રાપ્ત માહિતી મુજબ, કતપુર ટોલ પ્લાઝાનો ટોલટેક્સ વસુલાતનો કોન્ટ્રાક્ટ છેલ્લા છથી સાત મહિનાથી બીઆરજી ગ્રુપ પાસે છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ટોલટેક્સની આવક, નાણાકીય વ્યવહારો, હિસાબ-કિતાબ તેમજ ડિજિટલ રેકોર્ડની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ટોલ પ્લાઝાના મેનેજર અને ડેપ્યુટી મેનેજર પણ શંકાના દાયરામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.માત્ર ટોલ સંચાલન પૂરતું નહીં, પરંતુ NHAI હેઠળ આવતા આ ટોલની કામગીરી પર દેખરેખ રાખવાની જવાબદારી ધરાવતા સંકળાયેલા ગુજરાતના અધિકારીઓની ભૂમિકા અંગે પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. જો આવી ગેરરીતિઓ લાંબા સમયથી ચાલતી હોય અને સંકળાયેલા અધિકારીઓ દ્વારા તેમાં બેદરકારી દાખવવામાં આવી હોય, તો તેમના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, તેવી માગ લોકો તરફથી ઉઠી રહી છે.આ સમગ્ર ઘટનાને પગલે લોકોમાં એક મહત્વપૂર્ણ માંગ ઉઠી રહી છે કે જો બીઆરજી ગ્રુપ દ્વારા કતપુર ટોલ પ્લાઝા પર આવી ગેરરીતિ કરવામાં આવી હોય, તો ભારતભરમાં બીઆરજી ગ્રુપના સંચાલન હેઠળ આવેલા અન્ય ટોલનાકાઓ તથા અન્ય કોન્ટ્રાક્ટ્સની પણ તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે. જો સમાન પ્રકારની પ્રવૃત્તિઓ અન્ય સ્થળોએ પણ ચાલી રહી હોવાનું સામે આવે, તો એક ટોલ પૂરતું નહીં રાખી તમામ સંકળાયેલા ટોલનાકાઓ અને કોન્ટ્રાક્ટ્સ સુધી તપાસનો વ્યાપ વધારવો જોઈએ, તેવી લોકમાગ ઉઠી રહી છે.
સ્થાનિક લોકો અને વાહનચાલકોનું માનવું છે કે જો તપાસ દરમિયાન કાયદાકીય રીતે ગંભીર ગુનો સાબિત થાય, તો માત્ર ઇન્કમટેક્સની કાર્યવાહી કરીને કરચુકવણી ભરાવા પૂરતું જ ન રાખવું જોઈએ. પરંતુ ચાવીરૂપ દાખલો બેસાડવા માટે સંડોવાયેલા લોકો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવી, તેમજ જવાબદાર સંસ્થાઓ સામે બ્લેકલિસ્ટ જેવી કડક કાર્યવાહી પણ કરવી જોઈએ, તેવી મજબૂત માંગ વ્યક્ત થઈ રહી છે.
હાલ આ સમગ્ર મુદ્દે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને અધિકારીઓ આ બાબતે મૌન ધરાવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે આ કાર્યવાહી કતપુર ટોલ પ્લાઝા સુધી સીમિત રહેશે કે પછી બીઆરજી ગ્રુપ સાથે સંકળાયેલા દેશભરના અન્ય ટોલનાકાઓ અને કોન્ટ્રાક્ટ્સ સુધી તેનો વ્યાપ વિસ્તરશે.




