સાબરકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં કમિટીઓની રચના મુલત્વી :
એજન્ડાના અન્ય કામો પર ચર્ચા કરાઈ, કમિટીઓની રચના ન થતાં તર્કવિતર્ક તેજ

સાબરકાંઠા જિલ્લા પંચાયતની ગુરુવારે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચનાનો મહત્વનો મુદ્દો મુલત્વી રાખવામાં આવતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી આ સામાન્ય સભામાં એજન્ડાના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ સમિતિઓની રચના સહિતના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરે એક વાગ્યે જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. સભાની શરૂઆત એજન્ડાના પ્રથમ મુદ્દા મુજબ ગત 23 મેના રોજ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વંચાણે લઈને કરવામાં આવી હતી. ત્યારબાદ પંચાયત અધિનિયમ-1993ની કલમ 145 હેઠળ વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની વરણી કરીને સમિતિઓની રચના કરવાનો મુદ્દો એજન્ડામાં સામેલ હતો. જોકે અગમ્ય કારણોસર આ મુદ્દા પર કોઈ ચર્ચા કે નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હેડક્વાર્ટર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જમીન મહેસૂલના દર રૂપિયે લોકફંડ શેષની રકમમાં ફેરફાર અને વિકાસલક્ષી કાર્યો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે જિલ્લા પંચાયત કક્ષાએ જૈવ-વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓની ફેરસુપ્રતી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પણ કોઈ નિર્ણય લેવાયો ન હતો.
સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિવિધ સમિતિઓની રચના ન થતાં ચૂંટાયેલા સભ્યો અને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ છે. સમિતિઓની રચના ક્યારે કરવામાં આવશે અને તેના પાછળના કારણો શું છે તે અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં મહત્વપૂર્ણ એજન્ડા મુદ્દાઓ મુલત્વી રહેતાં આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ગરમાવો સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




