સાબરકાંઠામાં ભેળસેળ મફિયા બેફામ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી સાથે ૨૦૮ કિલો જથ્થો ઝડપ્યો

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધ બાદ હવે નકલી ઘી બનાવવાના કૌભાંડનો ફરી એક વખત પર્દાફાશ થયો છે, જે દર્શાવે છે કે જિલ્લામાં ભેળસેળ કરનાર તત્વો હજુ પણ બેફામ રીતે સક્રિય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને એક કિસ્સો બહાર લાવવામાં આવ્યો છે, પરંતુ જિલ્લામાં વ્યાપક સ્તરે ચાલતી ભેળસેળ પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ફૂડ બિઝનેસ ઓપરેટરના ઘરે તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં સોયાબીન તેલ, છૂટું ઘી, વનસ્પતિ ઘી અને અન્ય વ્હાઇટ પાવડરનો ઉપયોગ કરીને ભેળસેળ કરાતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થળ પરથી વ્હાઇટ પાવડર સહિત કુલ ૨૦૮ કિલો જેટલો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૫૦ હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ખુબીરામ શિવચરણ શર્માને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ તપાસ માટે લીધેલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

જિલ્લામાં દિનપ્રતિદિન વધતી ભેળસેળની ઘટનાઓને જોતા સ્પષ્ટ થાય છે કે ભેળસેળ મફિયા સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખેલ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું માત્ર આવી છૂટક કાર્યવાહીથી સમસ્યા પર કાબૂ મળશે કે કડક અને વ્યાપક અભિયાનની જરૂર છે.




