ગટર તૂટતાં મોતીપુરાના સર્વિસ રોડ પર ગંદકીનું સામ્રાજ્ય
સહકારી જિન નજીક ૧૦ દિવસથી ગંદા પાણીનો ભરાવો, હદના વિવાદમાં અટવાઈ કાર્યવાહી

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સહકારી જિન નજીક એક શોરૂમ સામે નેશનલ હાઈવે નં. 48ના સર્વિસ રોડ પર ગટર લાઈન તૂટી જતાં છેલ્લા દસ દિવસથી ગંદા પાણીનો ભરાવો સર્જાયો છે. રોડ પર સતત ગંદુ પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટર લાઈન તૂટવાના કારણે ગંદુ પાણી સીધું સર્વિસ રોડ પર ફેલાઈ રહ્યું છે. સમસ્યાને લઈને નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જવાબદાર વિભાગ કાર્યવાહી કરવા તૈયાર નથી. હદના પ્રશ્નને કારણે અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
ગંદા પાણીના ભરાવાના કારણે સર્વિસ રોડ પર અવરજવર મુશ્કેલ બની છે. ખાસ કરીને રાત્રિના સમયે પાણી અને કાદવ વચ્ચે રસ્તાની સ્થિતિ સ્પષ્ટ ન દેખાતાં અકસ્માતની ભીતિ વધી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગંદકી અને દુર્ગંધના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સતત ભરાયેલા ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત પણ સ્થાનિકોમાં વ્યાપી છે. લોકોનું કહેવું છે કે નિયમિત કરવેરો ચૂકવવા છતાં પ્રાથમિક સુવિધાઓ માટે વારંવાર રજૂઆતો કરવાની ફરજ પડી રહી છે.
સ્થાનિકોએ તાત્કાલિક ગટર લાઈનનું સમારકામ કરી પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ જવાબદાર વિભાગ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધ કાર્યક્રમ હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.




