પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના નિધનથી શોકની લાગણી, હિંમતનગરમાં અગ્રણીઓનો ધસારો

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા પ્રફુલ પટેલના ધર્મપત્ની સ્વ. ભાવનાબેન પટેલના ટૂંકી માંદગી બાદ થયેલા નિધનથી હિંમતનગર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અવસાનના સમાચાર મળતા જ રાજકીય, સામાજિક અને વહીવટી ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હિંમતનગર ખાતે પહોંચ્યા હતા.
સ્વ. ભાવનાબેન પટેલના નિધન અંગે દેશના વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી એ સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા શોક વ્યક્ત કરી પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી હતી. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો હિંમતનગર આવી પહોંચ્યા હતા અને સ્વ. ભાવનાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
સ્વ. ભાવનાબેન પટેલનો નશ્વરદેહ હિંમતનગરના મહાવીરનગર સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં સવારથી જ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનો સતત પ્રવાહ જોવા મળ્યો હતો. અગ્રણીઓની અવરજવર અને મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અંતિમ દર્શન બાદ નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, સ્નેહીજનો અને શુભેચ્છકો જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી અંતિમયાત્રા અંતિમધામે પહોંચી હતી, જ્યાં પરિવારજનો અને સગાસંબંધીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. ભાવનાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.




