FSAS એપ્લિકેશનની ટેકનિકલ ખામીઓથી ખેડૂતો પરેશાન, જૂની પી.ઓ.એસ. પદ્ધતિ ફરી શરૂ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ખાતર વિતરણ માટે અમલમાં મૂકાયેલી FSAS એપ્લિકેશન સામે ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એપ્લિકેશનમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓ તેમજ સર્વર ડાઉન રહેવાની સમસ્યાના કારણે ખેડૂતોને સમયસર ખાતર મળવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી હોવાનું જણાવી વિવિધ સેવા સહકારી મંડળીઓના આગેવાનો, ચેરમેન, સેક્રેટરીઓ અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અગાઉની પી.ઓ.એસ. પદ્ધતિ ફરી અમલમાં મૂકવાની માંગ કરી છે.
હિંમતનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે વિવિધ સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો એકત્ર થયા હતા. રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ખાતર વિતરણ માટે FSAS એપ્લિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ એપ્લિકેશનમાં ટેકનિકલ ખામીઓ અને સર્વર સંબંધિત સમસ્યાઓના કારણે ખાતર વિતરણ પ્રક્રિયા અસરગ્રસ્ત બની હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.
ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ વાવણીની મહત્વપૂર્ણ સિઝન ચાલી રહી છે ત્યારે ખાતર મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ઘણી વખત એપ્લિકેશન કાર્યરત ન હોવાના કારણે ખેડૂતોને વારંવાર સહકારી મંડળીઓના ધક્કા ખાવા પડે છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
આ પ્રસંગે ખેડૂતો અને સહકારી મંડળીઓના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી FSAS એપ્લિકેશનની વર્તમાન વ્યવસ્થા દૂર કરવાની માંગ ઉઠાવી હતી. સાથે જ અગાઉ અમલમાં રહેલી પી.ઓ.એસ. પદ્ધતિ ફરી શરૂ કરી ટેકનિકલ અવરોધ વિના સરળતાથી ખાતર વિતરણ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે અને વાવણીની સિઝનમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ રજૂઆત દરમિયાન કરવામાં આવી હતી.




