હિંમતનગર નજીક બેફામ કારે પદયાત્રીઓને કચડ્યા: ૫ થી ૭ પદયાત્રીઓ ઘાયલ, રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી દીધી

હિંમતનગરના દોલગઢ પાટિયા નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી એક બેફામ કારે રસ્તે જતાં ૫ થી ૭ પદયાત્રીઓને અડફેટે લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાર ચાલકને સ્થાનિકો અને પદયાત્રીઓએ ઝડપી લીધો હતો. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોના ટોળાએ અકસ્માત સર્જનાર કારને ઘેરીને સ્થળ પર જ આગ ચાંપી દીધી હતી, જેના કારણે કાર ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી.
જાહેરનામાના ઉલ્લંઘનથી પદયાત્રીઓમાં ભારે અસંતોષ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ફોરલેન હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગતિ મર્યાદા અને વાહન વ્યવહાર અંગે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, બેફામ દોડતાં વાહનો પર કોઈ અસર જોવા મળતી નથી. વાહનચાલકો દ્વારા જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને બેદરકારીપૂર્વક વાહનો હંકારવામાં આવતા હોવાથી સતત અકસ્માતોનો ભય રહે છે, જેના કારણે પદયાત્રીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બળી ગયેલી કાર તેમજ ટ્રાફિકની સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત પદયાત્રીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




