સાબરકાંઠા જિલ્લા ભાજપની હિંમતનગરમાં મહત્ત્વની સંગઠનાત્મક બેઠક યોજાઈ
જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સંગઠન સંરચના અને બૂથ સક્રિયતા અંગે સમીક્ષા

ભારતીય જનતા પાર્ટી, સાબરકાંઠા દ્વારા આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અને પક્ષની મજબૂતીના સંદર્ભમાં હિંમતનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંડલ સ્તરની સંગઠન સંરચના, શક્તિ કેન્દ્ર અને બૂથ સક્રિયતા, ‘મન કી બાત’ કાર્યક્રમ તેમજ ભાજપના વિવિધ મોરચાઓની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને જિલ્લા સંગઠન પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકને સંબોધતા હોદ્દેદારોએ તમામ કાર્યકર્તાઓને પક્ષની સંગઠન સંરચના ઝડપથી પૂર્ણ કરવા અને સક્રિયતાથી કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શક્તિ કેન્દ્રના પ્રભારીઓને નિયમિત પ્રવાસ કરવા, બૂથ બેઠકો સમયસર પૂર્ણ કરવા તેમજ પક્ષના તમામ કાર્યક્રમોનું ‘સરલ’ (SARAL) એપ પર સચોટ રિપોર્ટિંગ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
નવીન હોદ્દેદારોનું બહુમાન કરાયું
આ બેઠકમાં પ્રદેશ ભાજપમાં સાબરકાંઠા જિલ્લાના નવીન હોદ્દેદારો તરીકે સમાવેશ પામેલા પ્રતિનિધિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા મહામંત્રી પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા, ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, વિજય વણઝારા, જયેશભાઈ પટેલ, કમલેશ બારોટ, પ્રવીણસિંહ રહેવર, લોકેશ સોલંકી અને જયેશભાઈ શાહ સહિત જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





