હિંમતનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ રેલી યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વ્યસનમુક્તિના સંદેશ સાથે એક જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની હિંમતનગર શાખા દ્વારા આયોજિત આ રેલી શહેરના કેનાલ ફ્રન્ટ તેમજ હાંસલપુર વિસ્તારમાં યોજાઈ હતી. જેમાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ રેલીનો મુખ્ય હેતુ સશક્ત અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવાનો તેમજ યુવાનો અને નાગરિકોને નશાની કુટેવોથી દૂર રાખવાનો હતો.
કેનાલ ફ્રન્ટ ખાતેથી શરૂ થયેલી આ રેલીમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ અરૂણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, ગુરુકુલના પ્રિન્સિપાલ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં વિવિધ બેનરો અને પ્લૅકાર્ડ્સ સાથે ‘વ્યસન છોડો, જીવન બચાવો’ના નારા લગાવ્યા હતા. લોકો સુધી સંદેશ પહોંચાડતા તમાકુ, સિગારેટ, દારૂ સહિતના અન્ય કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આગ્રહભરી અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ગુરુકુલના વિદ્યાર્થીઓએ પોતે પણ વ્યસનથી દૂર રહેવા અને સમાજમાં વ્યસનમુક્તિ અંગે નિરંતર જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. યુવાધન ખોટા માર્ગે ન ભટકે, તેમનામાં ઉચ્ચ નૈતિક મૂલ્યો અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશય સાથે સંસ્થા દ્વારા આ રેલીનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.
(વી.ડી. ઝાલા, ધારાસભ્ય, હિંમતનગર):
“શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આયોજિત આ વ્યસનમુક્તિ રેલી સમાજને એક નવો અને સાચો માર્ગ બતાવનારી છે. આજે યુવાધન વ્યસનના ચક્રવ્યૂહમાં ન ફસાય તે માટે આવા જાગૃતિ કાર્યક્રમો અત્યંત જરૂરી છે. ગુરુકુલના સંસ્કાર અને વિદ્યાર્થીઓનો આ ઉત્સાહ વંદનીય છે. આ મુહિમથી ચોક્કસપણે હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યસનમુક્તિની એક નવી લહેર ઊભી થશે.”




