હિમતનગર

સાબરકાંઠા એસઓજીની મોટી સફળતા: વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બે ગુનાઓ ઉકેલાયા, એક આરોપી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલા અભિયાન હેઠળ સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મહત્વની સફળતા મળી છે. એસઓજીની ટીમે વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.

મળતી બાતમીના આધારે એસઓજીની ટીમ હિંમતનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે એક શખ્સ ચોરી કરેલી CNG રીક્ષા અને લેપટોપ સાથે હિંમતનગર બસ સ્ટેશન પાસેથી ન્યાય મંદિર તરફ જતો જોવા મળ્યો છે. માહિતીના આધારે પોલીસ ટીમે પોલીસ હેડક્વાર્ટર મુખ્ય દરવાજા નજીક ઈડર રોડ પર વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ રીક્ષાની તપાસ કરતાં એક યુવાન ચોરીની રીક્ષા અને લેપટોપ સાથે ઝડપાઈ ગયો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ બે દિવસ અગાઉ હિંમતનગરના વ્હોરવાડ વિસ્તારમાંથી CNG રીક્ષા અને રાજપુર કેમ્પ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી લેપટોપ ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટકાયત કરી મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ માટે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

ઝડપાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ અરફાત આરિફ અન્સારી (ઉ.વ. 22) તરીકે થઈ છે. તે હાલ હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં રહે છે અને મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ.70,000 કિંમતની ટીવીએસ કંપનીની CNG રીક્ષા અને રૂ.45,000 કિંમતનો નોકિયા કંપનીનો લેપટોપ મળી કુલ રૂ.1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કામગીરીથી હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુના તથા તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપી સામે અગાઉ અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પણ વાહન ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કામગીરી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા, પીએસઆઈ કે.યુ. ચૌધરી, પીએસઆઈ પી.એમ. ઝાલા સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

સાબર રીપોર્ટર ન્યૂઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!