એસટી નિગમની કંડકટર ભરતીમાં રાહત: બેઝની વિગતો બાદમાં રજૂ કરવાની છૂટ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા તાજેતરમાં કંડકટર અને ડ્રાઇવરની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ સાબરકાંઠા સહિત રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં કંડકટર લાયસન્સની બેઝ (વિગતો) મેળવવા માટે ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે, સર્વરની ટેકનિકલ સમસ્યાઓને કારણે બેઝ કઢાવવાની કામગીરીમાં વિલંબ થતાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ વાહન વ્યવહાર વિભાગે ઉમેદવારોને મહત્વપૂર્ણ રાહત આપી છે. વિભાગના મુખ્ય મહેકમ અધિકારીએ જાહેર કરેલી વિગતો મુજબ કંડકટર કક્ષાની ભરતી માટે અગાઉ ઉમેદવારીપત્ર સાથે લાયસન્સની વિગતો (બેઝ) સહિતના પુરાવા રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આરટીઓ કચેરીઓમાં સર્વર ડાઉન અને વધતી અરજદારોની સંખ્યાને કારણે ઉભી થયેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.
નવી સૂચના અનુસાર, ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ સુધી બેઝ રજૂ કરવી ફરજિયાત રહેશે નહીં. ઉમેદવારો અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ બેઝ મેળવી શકશે. દસ્તાવેજ ચકાસણી (Document Verification) સમયે ઉમેદવારોએ માન્ય કંડકટર લાયસન્સ અથવા બેઝ રજૂ કરવાની રહેશે.
વિભાગના આ નિર્ણયથી હજારો ઉમેદવારોને મોટી રાહત મળી છે. હવે બેઝની વિગતો ઉપલબ્ધ ન હોવા છતાં ઉમેદવારો સમયસર ભરતી માટે અરજી કરી શકશે અને સર્વરની સમસ્યાઓને કારણે ભરતી પ્રક્રિયામાંથી વંચિત રહેવાનો ભય ટળી ગયો છે.
સાબર રીપોર્ટર ન્યૂઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985




