PM મોદીએ જાહેર મંચ પરથી કર્યા પ્રફુલભાઈ પટેલના વખાણ — હિંમતનગરથી દીવ-દમણ સુધી ગાજ્યું નામ

દમણ ખાતે યોજાયેલા વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરા નગર હવેલી, દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ ખોડાભાઈ પટેલના વિકાસલક્ષી કાર્યની જાહેર મંચ પરથી પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દમણમાં ઝડપથી આધુનિક પરિવર્તન આવી રહ્યું છે અને લાંબા ગાળાની વિકાસ દ્રષ્ટિ સાથે વિસ્તારને નવી ઓળખ આપવામાં આવી રહી છે.
પ્રફુલભાઈ ખોડાભાઈ પટેલ ગુજરાત સરકારમાં પૂર્વ ગૃહમંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી ચૂક્યા છે તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય તરીકે પણ લોકસેવામાં સક્રિય રહ્યા હતા. હાલ તેઓ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.
૫ જૂન ૨૦૨૬ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં “નમો વિમાનમથક”ના નવા ટર્મિનલ મકાનનું ઉદ્ઘાટન, “નમો હોસ્પિટલ”નું લોકાર્પણ તેમજ આશરે ₹૨,૯૭૦ કરોડના વિવિધ વિકાસકાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં દમણના વિકાસ મોડેલને “સિંગાપુર જેવી લાંબા ગાળાની વિકાસ દ્રષ્ટિ” સાથે સરખાવી પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી.




