ઇડર

ઈડરના હસનપુરાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગરોળી મળતાં ૪૫થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ

ઇડર તાલુકા માં મધ્યાહન ભોજનમાં વપરાતાં મસાલા હલકી ગુણવતા ની લોકચર્ચા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના હસનપુરા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન પીરસવામાં આવેલી અડદની દાળમાંથી મરેલી ગરોળી મળી આવતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દાળનું સેવન કર્યા બાદ ૪૫થી વધુ બાળકોની તબિયત લથડી હતી.

ઉલટી અને ઉબકાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડાયા ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને અચાનક ઉલટી, ઉબકા અને અસ્વસ્થતાની ફરિયાદ શરૂ થઈ હતી. ગ્રામજનો અને શાળા પરિવારે તાત્કાલિક ધોરણે તમામ અસરગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય અને તંત્રની ત્વરિત કામગીરી ઘટનાની જાણ થતાં જ ઈડર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, “તાલુકા આરોગ્ય અધિકારી તરફથી ટેલિફોનિક જાણ મળતાં જ હોસ્પિટલ તંત્ર સતર્ક બન્યું હતું. તમામ વિદ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવી છે અને જે બાળકોને ઉલટી-ઉબકાની અસર હતી તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર છે.”

બનાવટી અને વગર બ્રાન્ડના મસાલાની ખરીદીની ચર્ચા ગામજનો અને વાલીઓમાં ચાલતી લોકચર્ચા મુજબ, શાળામાં બાળકો માટે રસોઈ બનાવવા માટે કોઈ માન્ય કે બ્રાન્ડેડ કંપનીના મસાલા વાપરવાને બદલે ચોક્કસ એજન્સી કે સપ્લાયર પાસેથી વગર બ્રાન્ડના અને હલકી ગુણવત્તાના મરચું, હળદર, મીઠું તેમજ અન્ય મસાલાઓ ખરીદવામાં આવે છે. ખુલ્લા અને વગર પેકિંગના આ મસાલા આરોગ્ય માટે કેટલા સુરક્ષિત છે તે અંગે ભારે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.

ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવાયા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગની ટીમે હસનપુરા પ્રાથમિક શાળા અને હોસ્પિટલ ખાતે પહોંચી ભોજનના સેમ્પલ લીધા છે. આ નમૂનાઓને વધુ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેથી ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે.

દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી મધ્યાહન ભોજન યોજના અને પુરવઠા વિભાગ સામે વાલીઓ તથા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં અને તપાસમાં જે પણ કસરૂરવાર કે દોષિત ઠરશે તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!