ઇડર એપીએમસી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો: ‘કુલડીમાં ગોળ ભાંગ્યો’ હોવાની ચર્ચા, કોંગ્રેસ તમામ બેઠકો પર પેનલ ઉતારશે

ઇડર એપીએમસી (માર્કેટયાર્ડ) છેલ્લા કેટલાક સમયથી ભરતી વિવાદ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સતત ચર્ચામાં રહ્યું છે. ભરતી પ્રક્રિયા અંગે અનેક સવાલો અને આશંકાઓ વ્યક્ત થયા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ખેડૂતો અને વેપારીઓમાં અસંતોષ હોવાની ચર્ચા છે. હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી એપીએમસી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ચૂંટણી પહેલાં જ કેટલાક આગેવાનો વચ્ચે “કુલડીમાં ગોળ ભાંગી દીધો” હોય તેવી ગોઠવણો થઈ ગઈ છે.
માહિતી મુજબ ઇડર એપીએમસીની કુલ 14 બેઠકો માટે 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 10 સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. નવા કાયદા મુજબ લાયકાત ન ધરાવતી સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગની બે મંડળીઓ રદ થતાં અગાઉની 16 બેઠકોના બદલે આ વખતે 14 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિ તરીકે ડિરેક્ટરોની પસંદગી કરવામાં આવશે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો, સંભવિત ઉમેદવારો અને આગેવાનો દ્વારા આંતરિક બેઠકો અને મંત્રણાઓનો દોર શરૂ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને ભાજપ તરફથી કોને મેન્ડેટ આપવામાં આવે છે તેના પર સૌની નજર છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે માર્કેટયાર્ડની અંદર મોટાભાગની ગોઠવણો પહેલેથી જ થઈ ચૂકી છે.
તાજેતરમાં માર્કેટયાર્ડ ખાતે યોજાયેલી એક જન્મદિવસની ઉજવણી પણ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની હતી. લાંબા સમયથી રાજકીય રીતે હરીફ માનાતા કેટલાક આગેવાનો એક જ મંચ પર જોવા મળતાં આગામી ચૂંટણીને લઈને નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા હોવાની અટકળોએ જોર પકડ્યું છે.
બીજી તરફ કોંગ્રેસે પણ આ વખતે ચૂંટણીમાં સક્રિય રીતે ઝંપલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ નદુંભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી ઇડર માર્કેટયાર્ડમાં ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે, પરંતુ હવે કોંગ્રેસ તમામ 14 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલ ઉતારશે. તેમના આ દાવા બાદ ઇડરના સહકારી રાજકારણમાં ચૂંટણી પૂર્વે જ રાજકીય રસાકસી તેજ બની છે.




