ઇડર

અધૂરું પંચાયત ઘર ગ્રામજનો માટે બન્યું મુશ્કેલીનું કારણ વેરાબર ગામમાં એક વર્ષથી બંધ પડ્યું પંચાયત મકાનનું બાંધકામ, ગ્રામજનોમાં રોષ

ઇડર તાલુકાના વેરાબર ગામમાં ગ્રામ પંચાયતના નવા મકાનનું બાંધકામ છેલ્લા એક વર્ષથી અધૂરું હાલતમાં અટવાઈ જતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પંચાયત ઘરનું કામ લાંબા સમયથી બંધ રહેતાં ગ્રામ પંચાયતની કામગીરી પ્રભાવિત થઈ રહી છે તેમજ વિવિધ કામો માટે આવતા અરજદારો અને ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયતના નવા મકાનનું બાંધકામ અડધું પૂર્ણ થયા બાદ અચાનક બંધ થઈ ગયું હતું અને ત્યારથી આજદિન સુધી કામ ફરી શરૂ કરવામાં આવ્યું નથી. આ મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ લેખિતમાં પણ જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે સરપંચ દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તાલુકા પંચાયત દ્વારા મૌખિક રીતે જણાવાયું હતું કે આગામી તબક્કામાં જી-રામજી યોજના હેઠળ બાંધકામ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જોકે હજુ સુધી જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. પરિણામે બાંધકામ કરનાર એજન્સીના ચૂકવણાં બાકી રહેતાં કામ આગળ વધી શક્યું નથી.

હાલમાં પંચાયત મકાન અડધું તૈયાર થઈ અધૂરું પડ્યું છે. મકાનની આસપાસ બાંધકામનો કાટમાળ પડેલો હોવાથી સલામતીના પ્રશ્નો પણ ઊભા થયા છે. ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી અને ગામલોકોને મળતી સેવાઓ પર તેની સીધી અસર પડી રહી છે.

ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા સ્તરના જવાબદાર તંત્ર સમક્ષ માંગણી કરી છે કે વેરાબર ગ્રામ પંચાયતના નવા મકાન માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી બાંધકામનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી ગામને સંપૂર્ણ અને સુવિધાસભર પંચાયત ભવનનો લાભ મળી શકે.

સાબર રીપોર્ટર ન્યુઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!