ઓડા ડુંગરના મંદિરમાં ચાંદીના છત્તર સહિત રૂ.૪૭ હજારની ચોરી

ઈડર તાલુકાના ઓડા ડુંગર પર આવેલા હોરંચી માતાના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને દાનપેટી અને મૂર્તિ પરના ચાંદીના છત્તરની ચોરી કરી છે. આ ઘટનાથી ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે અને પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા.૧૫ મેની રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ચોરીના ઈરાદે ઓડા ડુંગર પર આવેલા હોરંચી માતાના મંદિરે પહોંચ્યા હતા. તસ્કરોએ મંદિરના બે દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ગર્ભગૃહમાં જઈ દાનપેટીમાંથી આશરે રૂ.૧,૨૦૦ની રોકડ રકમ તેમજ માતાજીની મૂર્તિ પર લગાડવામાં આવેલ અંદાજે રૂ.૪૬ હજાર કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવમાં કુલ રૂ.૪૭,૨૦૦ની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ઓડા ગામના સુરેશજી ચીમનજી રાઠોડે આ મામલે જાદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી મંદિર સાથે જોડાયેલા ભક્તો અને સ્થાનિકોમાં રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.




