અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ થશે
વિશેષ ભાડા સાથેની ટ્રેન વાયા હિંમતનગર થઈ દોડશે

તા. 9 જૂનથી 28 જુલાઈ સુધી 16 ટ્રિપનું આયોજન
મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વાયા હિંમતનગર થઈ દોડશે, જેથી ઉત્તર ગુજરાતના મુસાફરોને સીધી અને સુલભ રેલ સેવા ઉપલબ્ધ બનશે.
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નં. 01909/01910 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ તા. 9 જૂનથી 28 જુલાઈ, 2026 દરમિયાન કુલ 16 ટ્રિપ કરશે.
ટ્રેન નં. 01909 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ દર મંગળવારે અસારવાથી બપોરે 3:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 7:45 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે.
જ્યારે ટ્રેન નં. 01910 આગ્રા કેન્ટ-અસારવા સ્પેશિયલ દર સોમવારે આગ્રા કેન્ટથી સાંજે 6:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે અસારવા પહોંચશે.
બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપનગર, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સહિતના સ્ટેશનો પર રોકાશે.
આ સ્પેશિયલ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા જનરલ ક્લાસના કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોના મુસાફરો માટે આ ટ્રેન આગ્રા સહિત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફની મુસાફરી વધુ સરળ બનાવશે.
સાબર રીપોર્ટર ન્યુઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985




