ગુજરાત

સાબરકાંઠામાં નવા શૈક્ષણિક સત્રનો ધમધમાટ : શિક્ષણ પર મોંઘવારીનો માર, વાલીઓની ચિંતામાં વધારો

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. નવા સત્રના આરંભ સાથે જિલ્લામાં આવેલી ૧૭૨૧ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોના પરિસર ફરીથી વિદ્યાર્થીઓના કોલાહલથી જીવંત બની ઉઠ્યા હતા. બીજી તરફ સ્કુલ ડ્રેસ, પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક સાહિત્યમાં થયેલા અંદાજે ૧૫ ટકાથી વધુ ભાવવધારાએ વાલીઓના બજેટ પર વધારાનો બોજ ઊભો કર્યો છે.

નવા સત્રના પ્રથમ દિવસે હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધોરણ ૧ થી ૯, ૧૧ અને ૧૨માં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જિલ્લામાં ૧૧૬૧ પ્રાથમિક શાળાઓ અને ૫૬૦ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો સત્તાવાર પ્રારંભ થયો છે.

નવા સત્રની શરૂઆત સાથે બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. પાઠ્યપુસ્તકો, નોટબુકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓએ દુકાનો પર લાંબી રાહ જોવાની નોબત આવી હતી. અનેક વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનેથી જ ડ્રેસ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી તેમને વધુ કિંમત ચૂકવવાની ફરજ પડી રહી છે. બજારમાં અન્યત્ર શોધખોળ છતાં શાળાનો નિર્ધારિત ડ્રેસ ઉપલબ્ધ ન હોવાથી આખરે મોંઘા ભાવે ખરીદી કરવાની ફરજ પડી હતી.

વાલીઓના જણાવ્યા મુજબ આ વર્ષે શિક્ષણ સાથે જોડાયેલી લગભગ દરેક વસ્તુમાં નોંધપાત્ર ભાવવધારો થયો છે. મોંઘવારી વચ્ચે પણ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જરૂરી ખરીદી કરવી જ પડી રહી છે. બીજી તરફ દિવાળી બાદ શરૂ થનારા નવા સેમિસ્ટરને લઈને ફરીથી પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદીનો ખર્ચ સહન કરવો પડશે તેવી ચિંતા પણ વાલીઓમાં જોવા મળી રહી છે.

સોમવારથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ વહેલી સવારે જ ફરજ પર હાજર થઈ ગયા હતા. જોકે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણમાં ઓછી નોંધાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!