ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મામાં વ્યાજખોરોનો ત્રાસ : ૧૨.૫૦ લાખ લઈ ૨૦.૪૬ લાખ પરત કર્યા છતાં વેપારીને ધમકીઓ વ્યાજખોરીના ચક્રમાં સપડાયેલા વેપારીએ પોલીસનો દરવાજો ખખડાવ્યો, ગુનો નોંધાતા તપાસ શરૂ

ખેડબ્રહ્મા, સાબરકાંઠા :
ખેડબ્રહ્મા વિસ્તારમાં વ્યાજખોરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વેપારીને પુત્રની સારવાર તેમજ પોતાના ધંધા માટે લીધેલી રકમના બદલામાં ભારે વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરના ત્રાસનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આખરે કંટાળીને વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

પોલીસ ફરિયાદ અનુસાર વેપારીએ વિવિધ સમયગાળામાં કુલ રૂ. ૧૨.૫૦ લાખ વ્યાજે લીધા હતા. આ રકમ સામે વેપારીએ અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૦.૪૬ લાખની ચુકવણી કરી દીધી હોવાનું નોંધાયું છે. જેમાં મૂળ મુડીના રૂ. ૧૨.૫૦ લાખ ઉપરાંત રૂ. ૭.૯૬ લાખ વ્યાજ પેટે ચૂકવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

જોકે આટલી મોટી રકમ પરત ચૂકવ્યા બાદ પણ આરોપી વ્યાજખોરે વેપારીને વધુ રૂ. ૩.૭૫ લાખ વ્યાજ બાકી હોવાનું જણાવી સતત ઉઘરાણી શરૂ રાખી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દ્વારા વેપારીને વારંવાર ફોન કરીને તેમજ રૂબરૂ મળી દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, માંગેલી રકમ નહીં ચૂકવાય તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વ્યાજખોરના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી વેપારી તથા તેના પરિવારજનો ભારે ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા હતા. આખરે વેપારીએ હિંમત દાખવી કાયદાનો સહારો લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસે મટોડા ગામના તળશી પટેલ સામે વ્યાજખોરી, ધમકી તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નાણાકીય વ્યવહારોની વિગતો, ચૂકવાયેલી રકમના પુરાવા તથા અન્ય દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે.

વિસ્તારમાં વ્યાજખોરીના વધતા બનાવોને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. સામાજિક આગેવાનોનું માનવું છે કે જરૂરિયાતમંદ લોકો ઊંચા વ્યાજના ચક્રમાં ફસાઈ જતા આર્થિક અને માનસિક રીતે તૂટી જાય છે. આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે તમામ પાસાઓની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!