હિંમતનગર-શામળાજી હાઈવે પર લક્ઝરી બસ અકસ્માત : ૧૫ મુસાફરો ઈજાગ્રસ્ત, ચાલકની હાલત ગંભીર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી હાઈવે પર નવલપુર-ભાટોડા નજીક ખાનગી લક્ઝરી બસને ગંભીર અકસ્માત નડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલી ખાનગી લક્ઝરી બસ આગળ જઈ રહેલા ભારે વાહનની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને ભાગદોડ મચી ગઈ હતી. અકસ્માતમાં અંદાજે ૧૫ જેટલા મુસાફરોને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જ્યારે બસના ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.


અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, ગાંભોઈ પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરી બસમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે અને સ્થાનિક તંત્રએ વાહનવ્યવહારને ફરીથી સુચારુ બનાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા ભારે વાહનની પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગાંભોઈ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે તપાસ શરૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.




