ટોચના સમાચાર

હિંમતનગરમાં “લૂંટેરી દુલ્હન” ગેંગનો મોટો ભંડાફોડ, બોગસ લગ્ન કરાવી લાખો રૂપિયાની છેતરપીંડી – ૯ માંથી ૪ આરોપી ઝડપાયા

શીતલ ઠાકર,ગાધીનગર

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના નામે છેતરપીંડી અને લૂંટના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી “લૂંટેરી દુલ્હન” ગેંગનો ચોંકાવનારો ભંડાફોડ થયો છે. લગ્ન ઈચ્છુક યુવકોને જાળમાં ફસાવી બોગસ લગ્ન કરાવી અને ત્યારબાદ લાખો રૂપિયાની છેતરપીંડી કરતી ગેંગના નવમાંથી બે મહિલા સહિત ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

માહિતી મુજબ હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં રહેતા મનોજભાઈ બાબુલાલ સોની અને તેમની પત્ની કવિતાબેન મનોજભાઈ સોનીએ પોતાના ઘરે “દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો”ના નામે મેરેજ બ્યુરો શરૂ કર્યું હતું. મેરેજ એજન્ટ તરીકે ઓળખ આપી તેઓના સંપર્કમાં આવેલા મરતીયાઓ મારફતે લગ્ન ઈચ્છુક યુવકોને સંપર્ક કરવામાં આવતો હતો. ત્યારબાદ વિશ્વાસમાં લઇ યુવકો પાસેથી મોટી રકમ વસૂલ કરી યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા હતા.

પરંતુ લગ્ન થયા બાદ માત્ર ચારથી પાંચ દિવસમાં જ યુવતી કોઈ બહાનું બનાવી યુવકને છોડી દેતી અથવા તો યુવક અને તેના પરિવારને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી દબાણ ઉભું કરી છૂટાછેડા લેવડાવવામાં આવતા હતા. ત્યારબાદ આ જ યુવતીના અન્ય યુવક સાથે ફરીથી લગ્ન કરાવી વધુ રૂપિયા પડાવવામાં આવતા હતા. આ રીતે ગેંગ દ્વારા એક જ યુવતીનો વારંવાર ઉપયોગ કરી અનેક યુવકોને છેતરવામાં આવતા હતા.

આ સમગ્ર કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે હિંમતનગરના એક યુવક સાથે આ જ રીતે છેતરપીંડી થતા તેણે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં ચાર જેટલા ભોગ બનેલા યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગેંગ દ્વારા હિંમતનગર સિવાય અન્ય શહેરોમાં પણ આવી રીતે કેટલા યુવકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ઝડપાયેલા આરોપીઓ તથા ફરાર આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

હિંમતનગર ડીવાયએસપી એ.કે. પટેલના જણાવ્યા મુજબ આ ગેંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!