ગુજરાત

વડાલીના ત્રણ પીએચસીમાં કાયમી ડોક્ટરોના અભાવે દર્દીઓ મુશ્કેલીમાં : થેરાસણા, ડોભાડા અને રહેડા આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક તબીબોની નિમણૂકની માંગ

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસણા, ડોભાડા અને રહેડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાયમી તબીબોની નિમણૂક ન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા આ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં નિયમિત તબીબી સેવા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને સારવાર માટે વડાલી, ઈડર અથવા ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ત્રણેય પીએચસીમાં કાયમી ડોક્ટરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. અઠવાડિયામાં માત્ર એકાદ-બે દિવસ જ મુલાકાતી તબીબ આવતાં હોવાથી બાકીના દિવસોમાં દર્દીઓને સારવાર વિના પરત ફરવું પડે છે. અકસ્માત કે અન્ય કટોકટીની સ્થિતિમાં સમયસર સારવાર ન મળતાં દર્દીઓના જીવ પર જોખમ ઊભું થતું હોવાનું પણ ગ્રામજનોનું કહેવું છે.

સરકારી આરોગ્ય સેવાઓનો લાભ મળવાને બદલે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવાની ફરજ પડતાં તેમના પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. સ્થાનિકોએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કાયમી તબીબોની નિમણૂક કરવામાં આવી નથી.

ગ્રામજનોએ આરોગ્ય વિભાગ સમક્ષ ત્રણેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક કાયમી ડોક્ટરોની નિમણૂક કરવાની માંગ કરી છે. જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!