પ્રાંતિજમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો :
માવાની મુવાડીમાંથી લાખો રૂપિયાનો દેશી દારૂનો વોશ અને સાધનોનો નાશ

સાબરકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી પોલીસની ઝુંબેશ હેઠળ પ્રાંતિજ પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામની સીમમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી લાખો રૂપિયાની કિંમતનો દેશી દારૂ બનાવવા માટેનો વોશ ઝડપી પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કર્યા હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સમગ્ર વોશ અને સાધનોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાંતિજ પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર સામે કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આવા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ સતત ઝુંબેશ ચાલુ રહેશે.




