ઇડર

ઈડર પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો

સમલાપુર ગામમાં 8 વર્ષના બાળકની હત્યાથી ચકચાર : આરોપી સાવનજી ઠાકોર ઝડપાયો, પૂછપરછમાં હત્યાની કબૂલાત

ઈડર તાલુકાના સમલાપુર ગામમાંથી 8 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કરાયાની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવની જાણ થતાં ઈડર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપી સાવનજી અળખાજી ઠાકોર, રહે. સમલાપુર, તા. ઈડરને ઝડપી લીધો હતો. ઈડર પોલીસની આ ઝડપી અને સફળ કામગીરીથી અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ સમલાપુર ગામના અરવિંદજી લાલાજી ઠાકોરના 8 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. તપાસ દરમિયાન પોલીસને હ્યુમન રિસોર્સ મારફતે આરોપી સાવનજી ઠાકોરની સંડોવણી અંગે મહત્વની બાતમી મળી હતી. બાતમીના આધારે ઈડર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એ. ચૌધરી તથા સર્વેલન્સ સ્કોડની ટીમોએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન સમલાપુર ગામની સીમમાં ગૌચરની ઝાડી-ઝાંખરવાળી જમીનમાંથી આરોપી સાવનજી ઠાકોર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ બાળકને લલચાવી-ફોસલાવી પોતાની સાથે લઈ જઈ એકાંત સ્થળનો લાભ ઉઠાવી ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. ત્યારબાદ લાશનો નિકાલ કરવા માટે સમલાપુર ગામની સીમમાં આવેલા એક કૂવામાં મૃતદેહ નાખ્યો હોવાની પણ કબૂલાત કરાઈ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ બનાવ અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2) સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો હતો. અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માનવ સંસાધન તથા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી.

પોલીસ ટીમની કામગીરી: ઈડર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.ટી. ચૌધરી સહિત પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જયેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ બળવંતસિંહ, ખુમાનસિંહ રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ નરેન્દ્રસિંહ, જયરાજસિંહ કેસરીસિંહ, અજયસિંહ પ્રહલાદસિંહ, હાર્દિકકુમાર લાલજીભાઈ સહિતની ટીમે કામગીરી કરી હતી.

પોલીસે આરોપી સાવનજી અળખાજી ઠાકોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ ઈડર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!