આજે ડિવાઇડર પર ચઢ્યું… કાલે કોનો જીવ લેશે? બડોલી પાસે બેફામ રેતીના ડમ્પરથી મોટી દુર્ઘટના ટળી, તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો

ઇડર-ભિલોડા માર્ગ પર બડોલી ગામ નજીક સોમવારે વહેલી સવારે રેતી ભરેલું ડમ્પર ડિવાઇડર પર ચઢી જતાં મોટી દુર્ઘટના સદનસીબે ટળી હતી. પરંતુ આ ઘટના માત્ર એક અકસ્માત નહીં, જવાબદાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઇડર-ભિલોડા માર્ગ પર દરરોજ ઓવરલોડ અને બેફામ ઝડપે દોડતા રેતીના ડમ્પરો સામે વારંવાર રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી થતી નથી. આજે તો ડમ્પર ડિવાઇડર પર ચઢ્યું છે, પરંતુ કાલે કોઈ નિર્દોષ રાહદારી, વિદ્યાર્થી કે મુસાફરનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે, તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આરજે.03 જી.એ.8451 નંબરનું રેતી ભરેલું ડમ્પર ભિલોડાથી ઇડર તરફ આવી રહ્યું હતું. બડોલી ગામ નજીક પહોંચતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રોડની વચ્ચે આવેલા ડિવાઇડર પર ચઢી ગયું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી.
સ્થાનિકોનું કહેવું છે કે ઇડર-ભિલોડા માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં રેતી ભરેલા ડમ્પરો નિયમોનો ભંગ કરીને બેફામ ઝડપે દોડે છે. ઓવરલોડ વાહનો, જોખમી ઝડપ અને બેદરકારીપૂર્વકનું ડ્રાઇવિંગ સામાન્ય બાબત બની ગઈ છે. અનેક વખત રજૂઆતો છતાં જવાબદાર વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ ઇડર મામલતદાર, પોલીસ વિભાગ અને આરટીઓ તંત્રને સંયુક્ત રીતે વિશેષ ચેકિંગ અભિયાન ચલાવી ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો તંત્ર હજુ પણ માત્ર અકસ્માતોની નોંધ લઈને બેસી રહેશે અને કડક અમલ નહીં કરે, તો કોઈ મોટી જાનહાનિ બાદ જ કાર્યવાહી થશે એવી સ્થિતિ સર્જાઈ શકે છે.
બડોલીની આ ઘટના સમગ્ર તંત્ર માટે ચેતવણી સમાન છે. હવે જો જવાબદાર વિભાગો સમયસર કડક પગલાં નહીં ભરે તો “આજે ડિવાઇડર પર ચઢ્યું… કાલે કોનો જીવ લેશે?” એ સવાલનો જવાબ આપવો મુશ્કેલ બની શકે છે.





