અમૃત ભારત યોજના હેઠળ હિંમતનગર રેલવે સ્ટેશન બનશે હાઇટેક
કોચ ઇન્ડિકેટર સહિત આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે સ્ટેશન, મુસાફરોને મળશે મોટી રાહત

અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ હિંમતનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. મુસાફરોને વધુ સુવિધાજનક અને સરળ મુસાફરીનો અનુભવ મળે તે માટે પ્લેટફોર્મ પર કોચ ઇન્ડિકેટર સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેનના દરેક કોચનું ચોક્કસ સ્થાન ડિસ્પ્લે પર દર્શાવવામાં આવશે, જેના કારણે મુસાફરોને પોતાની બોગી શોધવામાં દોડધામ કરવી પડશે નહીં.
હાલ પ્લેટફોર્મ નંબર-૧ પર કોચ ઇન્ડિકેટર માટે મલ્ટી પોલ ઊભા કરી તેમાં વાયરિંગ અને ડિસ્પ્લે સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં ૧૯ પોલ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પ્લેટફોર્મ નંબર-૨ પર પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે.
હિંમતનગર રેલવે સ્ટેશન પરથી અસારવા, ઉદયપુર, જયપુર, કોટા, આગ્રા, ચિત્તોડગઢ અને ખેડબ્રહ્મા તરફ દૈનિક ટ્રેનોનું સંચાલન થાય છે. અત્યાર સુધી આરક્ષિત ટિકિટ ધરાવતા મુસાફરોને પોતાની બોગી શોધવામાં ભારે મુશ્કેલી પડતી હતી. નવી કોચ ઇન્ડિકેટર સિસ્ટમ કાર્યરત થયા બાદ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ કોચનું સ્થાન ડિસ્પ્લે પર જોવા મળશે, જેથી મુસાફરો સરળતાથી પોતાના કોચ સુધી પહોંચી શકશે.
આ ઉપરાંત પ્લેટફોર્મના શેડ નીચે ટ્રેનના આગમન અને પ્રસ્થાન અંગેની માહિતી આપતી આધુનિક એલઇડી ડિસ્પ્લે પેનલો પણ લગાવવામાં આવી રહી છે. જેના કારણે મુસાફરોને ટ્રેનના સમય, પ્લેટફોર્મ અને અન્ય જરૂરી માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છે કે ઉદયપુર અને ખેડબ્રહ્મા તરફની રેલ સેવાઓને કારણે હિંમતનગર રેલવે સ્ટેશન મહત્વપૂર્ણ જંક્શન તરીકે વિકસી રહ્યું છે. અમૃત ભારત યોજના હેઠળ સ્ટેશનના આધુનિકીકરણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. કામગીરી પૂર્ણ થયા બાદ હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોને વધુ આધુનિક, સ્માર્ટ અને સુવિધાસભર સેવાઓનો લાભ મળશે.




