હિંમતનગર બસ સ્ટેન્ડ ગઠિયાઓનો અડ્ડો બન્યો? ભિલોડાની મહિલાના ગળામાંથી રૂ.2 લાખની સોનાની ચેનની ચીલઝડપ
શનિવારે બપોરે પોણા ત્રણ વાગ્યે ભીડનો લાભ લઈ પળવારમાં હાથ સાફ, હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી*

હિંમતનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પર શનિવારે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે વધુ એક ચીલઝડપની ઘટના સામે આવતાં મુસાફરોમાં ચિંતા ફેલાઈ છે. ભીડનો લાભ લઈ અજાણ્યા ગઠિયાએ ભિલોડા તાલુકાના વીરપુર ગામની મહિલાના ગળામાંથી અંદાજે રૂ.2,02,500 કિંમતની બે તોલા વજનની સોનાની ચેન તોડી પળવારમાં ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ ભિલોડા તાલુકાના વીરપુર ગામે રહેતી ચંદ્રિકાબેન પ્રતિપભાઈ નિનામા (ઉં.42), જેઓ આર્મી જવાનની પત્ની છે, તેઓ પોતાની દીકરીને મળવા હિંમતનગર આવ્યા હતા. દીકરીને મળ્યા બાદ પરત જવા માટે હિંમતનગર એસ.ટી. બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નં.12 પરથી બસમાં ચઢી રહ્યા હતા. તે દરમિયાન ભારે ભીડ વચ્ચે અજાણ્યા ગઠિયાએ તેમના ગળામાંથી અંદાજે બે તોલા વજનની રૂ.2,02,500 કિંમતની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં મહિલાએ પરિવારજનો અને મુસાફરોની મદદથી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આરોપી હાથ લાગ્યો નહોતો. બાદમાં હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી બસ સ્ટેન્ડ તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
વારંવાર ચીલઝડપની ઘટનાઓ સામે આવતાં હિંમતનગર બસ સ્ટેન્ડ પર મુસાફરોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. પોલીસે ભીડભાડવાળા સ્થળોએ કિંમતી દાગીના અને રોકડ રકમ સાથે મુસાફરી કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે.




