રોટરી ક્લબ ઓફ હિંમતનગર આયોજિત ‘રંગતાળી નવરાત્રી 2026’માં ભક્તિ, શક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ

રોટરી ક્લબ ઓફ હિંમતનગર દ્વારા તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કલશ પાર્ટી પ્લોટ, હિંમતનગર ખાતે ‘રંગતાળી નવરાત્રી ૨૦૨૬’ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તિ, શક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેણે સમગ્ર વાતાવરણને શ્રદ્ધા અને ઉત્સાહથી સભર બનાવી દીધું હતું.
આ મહોત્સવ દરમિયાન મા અંબાની દિવ્ય આરાધના અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય આતશબાજી, મનમોહક પુષ્પવર્ષા, તિરંગા થીમ આધારિત દેશભક્તિની રજૂઆત, આકર્ષક ફાયર શો તથા રંગબેરંગી બલૂનથી કરાયેલું ભવ્ય ડેકોરેશન શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
મા જગદંબાની ભક્તિ સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવાના વિશેષ હેતુથી યોજાયેલા આ ઉત્સવે ઉપસ્થિત જનમેદનીમાં નવો ઉત્સાહ અને આનંદ સંચારિત કર્યો હતો. ‘રંગતાળી’ના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન પરંપરાઓ અને સામૂહિક એકતાની ભાવનાને વધુ સુદ્રઢ કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રોટરી ક્લબ ઓફ હિંમતનગરના હોદ્દેદારો જણાવે છે કે, આ નવરાત્રી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સામાજિક એકતા, સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સેવાભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમને અદ્ભુત સફળતા અપાવવા માટે રોટરી ક્લબના સભ્યો અને આયોજક ટીમે ભારે જહમત ઉઠાવી હતી.





