વિશ્વ યોગ દિવસે હેપ્પી યોગા ગ્રુપ દ્વારા વિશેષ યોગાભ્યાસનું આયોજન

વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે હિંમતનગરના કેનાલ ફ્રન્ટ ખાતે હેપ્પી યોગા ગ્રુપ દ્વારા વિશેષ યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન યોગ કોચ રાજેશભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને આરોગ્યલક્ષી યોગ ક્રિયાઓનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ યોગ સત્રમાં 150થી વધુ બહેનો અને ભાઈઓએ ભાગ લઈ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે કોચ રાજેશભાઈ મોદીએ યોગના નિયમિત અભ્યાસથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યમાં થતા લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત યોગસાધકોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોચ રાજેશભાઈ મોદી દ્વારા હિંમતનગરના કેનાલ ફ્રન્ટ ખાતે વર્ષભર નિઃશુલ્ક યોગ તાલીમ આપવામાં આવે છે. યોગાભ્યાસ માટે બહેનો અને ભાઈઓની અલગ-અલગ બેચની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો નિયમિત રીતે યોગ સાથે જોડાઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવી રહ્યા છે.




