સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, યોગમય બન્યું પોલીસ પરિસર
સ્વસ્થ શરીર, તંદુરસ્ત મન અને નિરોગી જીવન માટે યોગ અપનાવવાનો સંદેશ


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર દેશની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગર સ્થિત જિલ્લા પોલીસ કચેરી ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
યોગાભ્યાસ દરમિયાન ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગના મહત્વને ઉજાગર કર્યું હતું. યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં નિયમિત યોગાભ્યાસ દ્વારા તણાવમુક્ત અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે, જે આજે સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અપનાવવામાં આવી રહી છે. યોગ માત્ર કસરત નહીં પરંતુ જીવન જીવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જે શરીર, મન અને આત્માને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ યોગને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા સ્વસ્થ સમાજ અને નિરોગી ભારતના નિર્માણ માટે યોગના વ્યાપક પ્રચાર-પ્રસારનો સંદેશ આપવામાં આવ્યો હતો.




