હિંમતનગરમાં ઈડર સ્ટેટના મહારાજા હિંમતસિંહજીની 127મી જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ

જેમના નામ પરથી હિંમતનગર શહેરનું નામકરણ થયું છે, તેવા ઈડર સ્ટેટના રાજવી અને દુરંદેશી શાસક મહારાજા હિંમતસિંહજીની 127મી જન્મજયંતિની આજે હિંમતનગર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના ન્યાય મંદિર પાસે આવેલી મહારાજા હિંમતસિંહજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમને ભાવાંજલિ આપવામાં આવી હતી.
ઈડર સ્ટેટના રાજવી તરીકે મહારાજા હિંમતસિંહજીનું પ્રજાકલ્યાણ અને પ્રદેશના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. વર્ષ 1947માં ભારત દેશના એકીકરણ સમયે તેમણે ઈડર સ્ટેટના વિલીનીકરણ (ઈન્ટિગ્રેશન) માટે હસ્તાક્ષર કરી રાષ્ટ્રભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તેમના શાસનકાળ દરમિયાન ઈડર, હિંમતનગર સહિત સમગ્ર સ્ટેટમાં શિક્ષણ, આરોગ્ય, રેલવે અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસકાર્યો થયા હતા. તેમણે વિસ્તારમાં સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો અને પોલીસ સ્ટેશનો જેવી મૂળભૂત સુવિધાઓ ઉભી કરી હતી. વિશેષરૂપે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમણે બાળાઓને મફત શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ગોઠવી હતી.
આ ઉપરાંત કેનાલ, ડેમ, રેલવે નેટવર્ક, ખાણ-ખનિજ સંશોધન તથા ઈડર સ્ટેટની સૈન્ય ટુકડી ‘ઈડર સર પ્રતાપ ઈન્ફન્ટ્રી’નું સંચાલન તેમના કુશળ નેતૃત્વ હેઠળ થયું હતું. સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારના સર્વાંગી વિકાસમાં તેમનો કાર્યકાળ સુવર્ણ અક્ષરે અંકાયેલો રહેશ.
કાર્યક્રમ દરમિયાન મહારાજા હિંમતસિંહજીના પરપૌત્ર રાજકુમાર કરણીસિંહજી રાઠોડે તેમના પ્રજાહિતકારી કાર્યો અને દુરંદેશી વિઝનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.




