હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
મોતીપુરા GIDC ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે વજાપુરના યુવાનનું મોત

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા મોતીપુરા GIDC ઓવરબ્રિજ પર ગુરુવારે સાંજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં વજાપુર ગામના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ ૧૧૨ ઇમરજન્સી સેવા, ૧૦૮ એમ્બ્યુલન્સ તથા સિટી ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ સહિત અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારજનોમાં આ દુર્ઘટનાને પગલે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.




