હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી

સાબરકાંઠા જિલ્લા પોલીસ કચેરી, હિંમતનગર ખાતે સતત ચોથા વર્ષે ગણેશ મહોત્સવની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ-નગારાના તાલ અને ગુલાલની અબીલ-ગુલાલની છોળો વચ્ચે વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન થતાં સમગ્ર કચેરી પરિસરમાં ભક્તિમય અને ઉત્સવભર્યો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે આયોજિત ભવ્ય સ્થાપના કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પોલીસ વડા (SP) ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સીઆરસી પોલીસ કેન્ટીનનું ખાતમુહૂર્ત
ગણેશ મહોત્સવના આ પવિત્ર અવસરે જિલ્લા પોલીસ પરિવાર અને કર્મચારીઓની સુવિધા અર્થે નવનિર્મિત થનાર ‘સીઆરસી પોલીસ કેન્ટીન’ નું ખાતમુહૂર્ત પણ મહાનુભાવોના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી
આ ધાર્મિક મહોત્સવમાં DYSP, LCB PI, SOG PI તેમજ પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સંધ્યા આરતી અને પૂજા અર્ચના બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાની પધરામણીથી સમગ્ર જિલ્લા પોલીસ કચેરી પરિસર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું.




