હિંમતનગરમાં મતદારોનો ઝુકાવ કોના તરફ? ભાજપના વર્ષોથી શાસન વચ્ચે કોંગ્રેસના 15 મુદ્દાથી ગરમાયો ચૂંટણી માહોલ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર નગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે અને હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે મતદારોનો ઝુકાવ આ વખતે કયા પક્ષ તરફ રહેશે. વર્ષોથી શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું હોવાથી આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે.
ભાજપે લાંબા સમયથી શહેરની સત્તા સંભાળી છે અને પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ વિકાસકામોના દાવા કર્યા છે. રસ્તા, જાહેર સુવિધાઓ અને શહેરી વિકાસના અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા હોવાનો પક્ષનો દાવો છે. બીજી તરફ વિરોધ પક્ષો દ્વારા હજુ પણ અનેક વિસ્તારોમાં મૂળભૂત પ્રશ્નો યથાવત હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ વખતે કોંગ્રેસે પણ વિકાસના મુદ્દે જોરદાર એન્ટ્રી કરી 15 મુદ્દાઓનો સંકલ્પપત્ર જાહેર કર્યો છે. જેમાં રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, આવાસ અધિકાર, ગટર અને પીવાના પાણીની સુવિધા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, શિક્ષણ ક્ષેત્રે સુધારા, ટાવર ચોક ખાતે આધુનિક શાકમાર્કેટ, શહેર સ્વચ્છતા, કરવેરામાં સરળીકરણ, પ્રદૂષણમુક્ત હિંમતનગર, ટ્રાફિક અને પાર્કિંગ ઉકેલ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારો, યુવા રોજગાર, રમતગમત માટે સુવિધાઓ, જાહેર બગીચાઓમાં ઓપન જીમ તથા નાના વેપારીઓ અને ફેરીયાઓ માટે વિશેષ આયોજનનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત કોંગ્રેસે જન આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોની ચકાસણી માટે વિશેષ ટીમ રચવાની પણ જાહેરાત કરી છે.
સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે મતદારોનો એક વર્ગ વર્ષોથી ચાલતા શાસન અને વિકાસના દાવાઓને ધ્યાનમાં રાખી ફરી ભાજપ તરફ વળી શકે છે, જ્યારે બદલાવ ઈચ્છતો વર્ગ કોંગ્રેસના મુદ્દાઓ તરફ આકર્ષાઈ શકે છે.
શહેરના વિવિધ વોર્ડોમાં ઉમેદવારોની વ્યક્તિગત છાપ, સ્થાનિક પ્રશ્નો, સંગઠન શક્તિ અને પ્રચાર અભિયાન પણ પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેટલાક વિસ્તારોમાં ઉમેદવારની લોકપ્રિયતા પક્ષ કરતાં વધુ અસરકારક બની શકે છે.
હવે મતદારો વર્ષોથી ચાલતા શાસનને ફરી તક આપે છે કે 15 મુદ્દાના વચનો સાથે કોંગ્રેસને તક આપે છે તે પરિણામના દિવસે સ્પષ્ટ થશે. હાલ હિંમતનગરની ચૂંટણીમાં મતદારોનો મિજાજ જાણવો તમામ પક્ષો માટે પડકારરૂપ બન્યો છે.




