હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ નજીક પોલીસની છબી ખરાબ કરવા અને અદાવતમાં રોડ પર દારૂની બોટલો ગોઠવનાર સામે કાર્યવાહી : સોશિયલ મીડિયામાં અધૂરી માહિતી ફેલાવનાર પણ રડારમાં

હિંમતનગર શહેરના ખેડ તસિયા સ્ટેટ હાઇવે પર આવેલ વૈશાલી ગ્રાઉન્ડ નજીક જાહેર રસ્તા પર દારૂની બોટલો ગોઠવવાની ઘટનાને લઈને પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. જેમાંથી બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતના કારણે એકબીજાને બદનામ કરવા માટે દારૂની ખરીદી કરી મુખ્ય સ્ટેટ હાઇવે પર દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી. ઘટનાના કારણે રસ્તા પર લોકોના ટોળા એકઠા થયા હતા તેમજ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના વીડિયો અને પોસ્ટ વાયરલ થયા હતા.
ઘટનાની જાણ થતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રોડ પરથી દારૂની બોટલો હટાવી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક લોકો પાસેથી વિગતો મેળવી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં દારૂ વેચનાર પાસેથી દારૂ ખરીદી કર્યા બાદ જાહેર રસ્તા પર બોટલો ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દારૂનું વેચાણ કરનાર તેમજ જાહેર રસ્તા પર દારૂની બોટલો ગોઠવનાર સહિત ત્રણ વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં મુકેશ ભાટ અને શ્રવણ ભાટનો સમાવેશ થાય છે જ્યારે જીતુ માધાભાઈ ભાટ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર જાણ્યા વગર અધૂરી અથવા ભ્રામક માહિતી વાયરલ કરવી, પોલીસ અને કાયદો વ્યવસ્થાની છબી ખરાબ થાય તે રીતે પોસ્ટ કે વીડિયો પ્રસારિત કરવો પણ કાયદાકીય કાર્યવાહીનું કારણ બની શકે છે. કોઈપણ ઘટનાને તથ્ય વગર વધારી-ચઢાવી રજૂ કરનાર અથવા ગેરસમજ ફેલાવનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
તે ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ મળવો અને ખુલ્લેઆમ વેચાણ થવું પણ એક ગંભીર બાબત માનવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી દારૂના વેચાણ અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા તમામ લોકો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.




