ટોપ સ્ટોરીઝ

હિંમતનગર તાલુકામાં તસ્કરોનો આતંક : એક જ રાતમાં ચાર ગામોને નિશાન બનાવી બાઈક અને મંદિરોમાં ચોરી

સાબરકાંઠા જિલ્લામાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાની ભલે ગુલબાંગ પોકારી રહ્યું છે, પરંતુ હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં વારંવાર વાહન ચોરી, ઘરફોડ તેમજ મંદિરોમાં થતી ચોરીની ઘટનાઓ સ્થાનિક પોલીસ માટે પડકારરૂપ બની રહી છે. ત્યારે મંગળવારે રાત્રે તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ હિંમતનગર તાલુકાના ચાર અલગ અલગ ગામોમાં એક જ રાતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના માંકડી, ગાંધીપુરા કંપા, મોતીપુરા અને ખાપરેટા ગામોમાં ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. અજાણ્યા તસ્કરોએ માંકડી અને ગાંધીપુરા કંપામાંથી બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બુધવારે સવારે વાહનો ગાયબ હોવાનું ધ્યાનમાં આવતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.

આ ઉપરાંત અજાણ્યા શખ્સોએ મોતીપુરા તથા ખાપરેટા ગામના મંદિરોમાં પણ ચોરીના ઈરાદે પ્રવેશ કરી કેટલીક ચીજવસ્તુઓની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. બાઈક ચોરી કરી ભાગી રહેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હવે સંલગ્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ સીસીટીવી ફુટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે અઠવાડિયા અગાઉ પણ હિંમતનગર શહેરમાં લાખો રૂપિયાની બે મોટી ચોરીની ઘટનાઓ સામે આવી ચૂકી છે. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને હવે પ્રજામાં પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને પ્રજાના જાનમાલની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!